પેડર રોડને ફ્લાયઓવર મળશે?

05 August, 2012 04:25 AM IST  | 

પેડર રોડને ફ્લાયઓવર મળશે?

 

પ્લાનિંગના એક દાયકા કરતાં વધારે સમય બાદ આખરે પેડર રોડ ફ્લાયઓવરનો પ્રોજેક્ટ આગળ વધે એવી સંભાવના ઊભી થઈ છે, કારણ કે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી) ટૂંક સમયમાં આ ફ્લાયઓવર બાંધવા માટે ટેન્ડર મગાવવાની છે. આ અઠવાડિયે ટ્રાફિક-પોલીસ અને એમએસઆરડીસી વચ્ચે યોજાયેલી મીટિંગમાં એમએસઆરડીસીએ ટ્રાફિક-પોલીસ ડિપાર્ટમેન્ટને વાહનચાલકો માટે ડાઇવર્ઝન રૂટ સૂચવવાની વિનંતી કરી હતી જેથી જ્યારે ફ્લાયઓવરનું કામ શરૂ થાય ત્યારે વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે.

હાલના તબક્કે જ્યારે ફ્લાયઓવરનું કામ હજી શરૂ નથી થયું ત્યારે સવારે અને સાંજે પીક-અવર્સ દરમ્યાન પેડર રોડ પર ટ્રાફિકની હાલત બહુ જ ખરાબ થઈ જાય છે અને સાંકડી ગલીઓને કારણે કલાકો સુધી ટ્રાફિક જૅમ થઈ જાય છે. હવે આ સાંકડી ગલીઓમાં ફ્લાયઓવર બાંધવાનું કામ શરૂ કરવાના એમએસઆરડીસીના આયોજનને કારણે ટ્રાફિકની પરિસ્થિતિ વધારે વણસે એવી સંભાવના છે. આ કારણે જ આ કામ શરૂ થાય એ પહેલાં ટ્રાફિક-પોલીસે વાહનચાલકો માટે વૈકિલ્પક રૂટ ઊભો કરવા માટે સારુંએવું રિસર્ચ કરવું પડે એમ છે.

આ મુદ્દે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં એમએસઆરડીસીના ચીફ એન્જિનિયર એસ. નંદરગિરકરે કહ્યું હતું કે ‘અમે ટૂંક સમયમાં લાંબા સમયથી ચર્ચામાં રહેલા પેડર રોડ ફ્લાયઓવર માટે ટેન્ડર મગાવવાના છીએ. આ મુદ્દાની ચર્ચા કરવા માટે આ અઠવાડિયે એમએસઆરડીસીના અધિકારીઓ અને ટ્રાફિક-પોલીસ વચ્ચે મીટિંગ પણ થઈ છે. એક વખત વૈકલ્પિક રૂટ નક્કી થઈ જાય એ પછી અમે ટેન્ડર મગાવીશું.’

એમએસઆરડીસીના કેટલાક અધિકારીઓ માને છે કે આ પેડર રોડ ફ્લાયઓવરનું બાંધકામ ધારવામાં આવે છે એટલું સરળ નથી, કારણ કે કન્સ્ટ્રક્શનનું કામ પેડર રોડના અત્યંત ગીચ વિસ્તારમાં કરવાનું છે અને એક વાર આ રોડ કન્સ્ટ્રક્શન વખતે બંધ થઈ જશે એ પછી અહીં રહેતા લોકોની સમસ્યાઓ અનેકગણી વધી જશે.