હૉસ્પિટલોમાં પાણી ભરાતાં દરદીઓ અને ડૉક્ટરો મુશ્કેલીમાં મુકાયા હતા

07 August, 2020 12:45 PM IST  |  Mumbai Desk | Arita Sarkar

હૉસ્પિટલોમાં પાણી ભરાતાં દરદીઓ અને ડૉક્ટરો મુશ્કેલીમાં મુકાયા હતા

નાયર હૉસ્પિટલના પ્રવેશદ્વાર પાસે જ ભરાયેલું પાણી.

ભારે વરસાદે શહેરને ઘમરોળતાં દક્ષિણ મુંબઈની હૉસ્પિટલોમાં પાણી ભરાયાં હતાં અને ડૉક્ટરો, દરદીઓ અને તેમના સંબંધીઓને મુસાફરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભાયખલાની જે. જે. હૉસ્પિટલના કૅઝ્યુઅલ્ટી ડિપાર્ટમેન્ટમાં દાખલ દરદીઓને ઉપરના માળે ખસેડવામાં આવ્યા હતા તો નાયર હૉસ્પિટલના પ્રવેશદ્વાર પર ગુરુવાર સવાર સુધી પાણી ભરાયેલાં રહેતાં ફરજ પર તહેનાત ડૉક્ટરોએ ડબલ શિફ્ટ કરવી પડી હતી.
જે. જે. હૉસ્પિટલના ડીન ડૉ. રણજિત માનકેશ્વરે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા અને પીડબ્લ્યુડીની ટીમે સમસ્યા નિવારવા હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. જે. જે. હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે ‘ત્રણ ફીટ પાણી ભરાયાં હોવાથી લિફ્ટ બંધ કરવી પડી હતી અને બુધવારે રાતે ૧૧ વાગ્યા સુધી બંધ રહી હતી. સી.ટી. સ્કૅન અને સોનોગ્રાફી વિભાગ પણ ગ્રાઉન્ડ ફ્લોર પર છે અને દરદીઓને ઉપરના માળ પર ખસેડવા પડ્યા હતા.’
મદનપુરાના રહેવાસી ૪૧ વર્ષના મોહમ્મદ હુસેન ખાને જણાવ્યું હતું કે ‘મારી મમ્મીને ડાયાલિસિસ માટે નૂર હૉસ્પિટલ પહોંચાડવા માટે પરિવહનની વ્યવસ્થા કરતાં છ કલાક લાગ્યા હતા. મારાં માતા-પિતા સવારે ૧૧ વાગ્યે હૉસ્પિટલ ગયાં હતાં અને ડાયાલિસિસ સાંજે ૪.૩૦ વાગ્યે પૂરું થયું હતું, પણ હૉસ્પિટલના પ્રવેશદ્વારે બે ફીટ પાણી ભરાયાં હતાં. મેં કૅબ બુક કરાવવા પ્રયત્ન કર્યો, પણ રાઇડ ત્રણ વખત નામંજૂર થઈ હતી. ડાયાલિસિસ બાદ મારી મમ્મીને તરત જ દવાઓ લેવી જરૂરી હોવાથી હું બાઇક પર દવાઓ લઈને તેમની પાસે ગયો. આખરે મારા પિતરાઈ ભાઈએ આવીને તેમને રાત્રે ૧૦ વાગ્યે ઘરે પહોંચાડ્યાં.’

arita sarkar mumbai mumbai news mumbai rains