17 July, 2025 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનો તબક્કો છે પોલીસ-વેરિકિકેશનનો, જેમાં અનેક વાર એવું બને છે કે અરજદાર જ્યાં રહેતા હોય એ બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં ગયું હોય તો તેમણે ભાડે રહેવું પડે છે. આવી સ્થિતિમાં પોલીસ-વેરિફિકેશનમાં તેમનું કરન્ટ અને પર્મનન્ટ ઍડ્રેસ અલગ આવતાં પાસપોર્ટની પ્રક્રિયા લંબાય છે. આ બાબતે અનેક ફરિયાદ મળતાં રાજ્ય સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના ગૃહપ્રધાન (શહેર) યોગેશ કદમે વિધાનસભાના સત્રમાં જણાવ્યું હતું કે ‘પાસપોર્ટના ફૉર્મમાં કરન્ટ ઍડ્રેસ અને પર્મનન્ટ ઍડ્રેસ એમ બે ઍડ્રેસ લખવાની જોગવાઈ હોય છે. બન્ને ઍડ્રેસ દર્શાવવાં ફરજિયાત છે, પરંતુ રીડેવલપમેન્ટના કેસમાં પોલીસને કરન્ટ ઍડ્રેસ કે જ્યાં અરજદાર ભાડે રહેતા હોય એ જ જગ્યાએ વેરિફિકેશન કરવાનું સૂચવવામાં આવશે, જેમાં રિયલ એસ્ટેટ ડેવલપર દ્વારા બનાવવામાં આવેલું રેન્ટ-ઍગ્રીમેન્ટ માન્ય રાખવામાં આવશે તેમ જ પાસપોર્ટ રિન્યુઅલ માટે રેન્ટની રસીદ માન્ય રાખવામાં આવશે.’
યોગેશ કદમે વધુમાં જણાવ્યું હતું કે ‘મિનિસ્ટ્રી ઑફ એક્સ્ટર્નલ અફેર્સ (MEA)ની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર્સ (SOPs) મુજબ પાસપોર્ટની પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે પાસપોર્ટમાં પોલીસ-વેરિફિકેશનની પ્રક્રિયા એ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. એના દ્વારા અરજદાર પર કોઈ ક્રિમિનલ કેસ ચાલી રહ્યો હોય, સમન્સ હોય કે તેના નામનું વૉરન્ટ હોય તો એની જાણ થાય છે. એથી આ પ્રક્રિયા SOPs મુજબ ફૉલો થાય એનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.’