ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સર્વર ડાઉન થતાં પૅસેન્જર્સ થયા હેરાન

02 December, 2022 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બધાં જ કામ ઠપ થઈ જવાને કારણે લાંબી લાઇનો લાગી અને ફ્લાઇટ‍્સ પણ મોડી પડી

ફાઇલ તસવીર

મુંબઈ : મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ-બે પર ગઈ કાલે સર્વર ડાઉન થવાથી મોટા ભાગનાં કામકાજ ઠપ થઈ ગયાં હતાં અને દરેક કાઉન્ટર પર પૅસેન્જરોની લાંબી લાઇન લાગી ગઈ હતી. જોકે એ વખતે મૅન્યુઅલી ચેકિંગ કરીને બોર્ડિંગ પાસ ઇશ્યુ કરાતા હતા. એમ છતાં અનેક પ્રવાસીઓ હેરાન થયા હતા. સામા પક્ષે ઍરલાઇન્સને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી અને અનેક ફ્લાઇટો મોડી ઊપડી હતી તથા મોડી પહોંચી હતી.

પૅસેન્જરોની પડેલી હાડમારી બાબતે ખેદ વ્યક્ત કરતાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘હાલ શહેરમાં થઈ રહેલા ડેવલપમેન્ટના કામના કારણે નેટવર્ક ખોરવાઈ ગયું હતું અને સમસ્યા ઊભી થઈ હતી. અમે પૅસેન્જરોને પણ વિનંતી કરી હતી અને તેમને ચેક-ઇન માટે થોડો વધારે સમય લાગશે એમ જણાવ્યું હતું. એની સાથે જ ઍરલાઇન્સને પણ જાણ કરી હતી. અમારો સ્ટાફ ઍરપોર્ટ પર તહેનાત હતો અને તેમના દ્વારા મૅન્યુઅલી પ્રોસેસિંગ ચાલુ કરાયું હતું. અમે પ્રવાસીઓને વેઠવી પડેલી હાડમારી બદલ દિલગીર છીએ અને તેમણે આપેલા સહકાર બદલ તેમનો આભાર માનીએ છીએ.’

એવું જાણવા મળ્યું હતું કે એક મહત્ત્વનો કેબલ બ્રેક થતાં આ સમસ્યા સર્જાઈ હતી. અનેક પૅસેન્જરોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું, જેને કારણે તેઓ અકળાઈ ગયા હતા. ઘણા પૅસેન્જરોએ ટ્વીટ કરીને આ પરિસ્થિતિનાં સોશ્યલ મીડિયામાં પિક્ચર પણ પોસ્ટ કર્યાં હતાં. કેટલાક પ્રવાસીઓએ ઍરલાઇન્સોને પણ વખોડી હતી અને તેમના પ્રવાસીઓને પાણી, ચા કે કૉફી માટે પણ પૂછવામાં ન આવ્યું હોવાનું કહીને આક્રોશ ઠાલવ્યો હતો. લગભગ ૪૦ મિનિટ સુધી નેટવર્ક બંધ રહ્યું હતું. એ પછી નેટવર્ક ફરી પાછું ચાલુ થતાં ધીમે-ધીમે પરિસ્થિતિ થાળે પડી હતી. જોકે પ્રવાસીઓએ તો કલાકો સુધી હાડમારી વેઠવી પડી હતી.  

mumbai mumbai news mumbai airport