15 September, 2023 04:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુરૂદેવશ્રી રાકેશજીની નિશ્રામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી
પર્યુષણ પર્વ (Paryushan 2023)ની ધામધૂમથી શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુરૂદેવશ્રી રાકેશજીની નિશ્રામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા પણ પર્યુષણ પર્વની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં ન માત્ર દેશના પરંતુ વિદેશથી પણ હજારોની સંખ્યામાં ભાવિકો જોડાઈ રહ્યા છે.
પર્યુષણ પર્વ (Paryushan 2023)ની ઉજવણી વચ્ચે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા એક અનોખી ભેટ પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા વિશ્વની સાત ભાષાઓમાં યૂટ્યૂબ ચેનલો ચલાવવામાં આવે છે. આ ચેનલોમાં ગુરૂદેવશ્રી રાકેશજી દ્વારા ડબ કરેલ સત્સંગ, પ્રવચનો વગેરે રજૂ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ ચેનલો કુલ 191 દેશોમાં લોકો જોડાઈ રહ્યા છે. ગુરૂદેવશ્રીના સત્સંગથી અનેક લોકોના હૃદય પરિવર્તન પણ થઇ રહ્યા હોવાના પ્રતિભાવો સામે આવી રહ્યા છે.
પર્યુષણ (Paryushan 2023)ના પાવન અવસર નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા AIના ઉપયોગથી પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના સત્સંગનો લાભ સૌને કરાવવામાં આવશે. આ રીતે નવી ટેકનોલોજીનો ઉપયોગ કારીને આદ્યાત્મિક જગતમાં ક્રાંતિ લાવવાનું ભગીરથ કામ આ મિશન દ્વારા કરવામાં આવ્યું છે. આ ટેકનિકની માધ્યમથી હવે પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના જ અવાજમાં અંગ્રેજી, હિન્દી, ફ્રેન્ચ, સ્પેનિશ, મેન્ડેરીન, રશિયન, જર્મન અને પોર્ટુગીઝ આ આઠ ભાષાઓમાં સત્સંગની રજૂઆત કરવામાં આવશે.
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના વાઇસ પ્રેસિડેન્ટ આત્માર્પિત નેમિજીએ જણાવે છે કે, “આજે રજુ થયેલ ટેક્નોલોજી બતાવે છે કે અદ્યતન સોફ્ટવેર અને એલ્ગોરિધમ્સ સાથે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સકારાત્મક રીતે કરી શકાય તો તે વિશ્વમાં સુખ શાંતિ લાવી શકે તેમ છે.”
આમ તો AI ટેક્નોલોજીનો ઉપયોગ આત્યારે મોટા પાયે કરવામાં આવી રહ્યો છે ત્યારે આદ્યાત્મિક ક્ષેત્રમાં આ રીતે લોકોના જીવનને કલ્યાણના માર્ગે વાળવાનો પ્રયત્ન કાબિલે-દાદ છે. આ આઈ ટેકનોલોજીનો નૂતન ઉપયોગ આધ્યાત્મિકતાને પ્રોત્સાહન તો આપશે જ પણ સાથે વિશ્વમાં શાંતિ અને પવિત્રતા પ્રસરાવશે તેમઆ કોઈ બેમત નથી. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના વિઝનને આગળ વધારવા અનેક પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. તેમાં આ પ્રવૃત્તિ નક્કી જ ક્રાંતિકારી પગલું સાબિત થઈ રહેશે.
મળતી માહિતી મુજબ આ વિશ્વની આઠ ભાષાઓમાં નવા સોશ્યિલ મીડિયા હેન્ડલ્સની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. હવે કુલ 36 સોશિયલ મીડિયા પેજ દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની દિવ્ય વાણી વિશ્વના ખૂણે ખૂણે રહેલ જિજ્ઞાસુઓ સુધી સરળતાથી પહોંચી જશે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ પણ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના પર્યુષણ (Paryushan 2023) ધર્મોત્સવમાં જોડાયા હતા. તેઓએ પણ આ નૂતન અભિયાનની પ્રશંસા કરી હતી. તેઓએ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે અને આપણું સૌભાગ્ય છે કે શ્રીમદ્ રાજચંદ્રજી જેવા મહાન સંત પણ 19 વર્ષની ઉંમરથી મુંબઈ પધાર્યા હતા. વર્તમાનમાં પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી શ્રીમદ્ રાજચંદ્રજીના જ્ઞાન પ્રવાહને જારી રાખ્યો છે તે માટે હું તેમને વંદન કરું છું અને શ્રીમદ્ રાજચંદ્રજીએ દેખાડેલ માનવીય અને પશુકલ્યાણ પ્રવૃત્તિઓના માર્ગ પર ચાલવા માટે હું શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરને વધાઈ આપું છું.”