ડિજિટલ યુગમાં દેરાસરમાં ચઢાવો પણ થયો ડિજિટલ

15 September, 2023 01:10 PM IST  |  Mumbai | Bakulesh Trivedi

શ્રાવકોનો સમય બચે, ઉછામણીનો લાભ મળે, ભીડ ટાળી શકાય અને હેતુ પણ પાર પડે એવા આશય સાથે બોરીવલીના દેરાસરે કર્યો છે આ પ્રયોગ

બોરીવલી-વેસ્ટની ચીકુવાડીમાં આવેલું પદ્‍મનગરના મહાવીરસ્વામીના ગૃહજિનાલય (તસવીર : નિમેશ દવે)

હાલ પર્યુષણ પર્વ ચાલી રહ્યાં છે અને મુંબઈનાં મોટા ભાગનાં દેરાસરોમાં જુદા-જુદા ચઢાવા બોલાઈ રહ્યા છે ત્યારે બોરીવલી-વેસ્ટની ચીકુવાડીમાં આવેલા પદ્‍મનગરના મહાવીરસ્વામીના ગૃહજિનાલયમાં ઉછામણી (ચઢાવો) ડિજિટાઇઝ કરી દેવાઈ છે. ૨૦૦ શ્રાવકોના વૉટ્સઍપ-ગ્રુપ પર મોટા ભાગના શ્રાવકોને માફક આવે એ રીતે રાતે ૯થી ૧૧ વાગ્યા દરમ્યાન ચઢાવાની બોલી બોલાય છે. આમાં શ્રાવકોનો સમય બચે, ઉછામણીનો લાભ મળે અને ભીડ પણ ટળે અને હેતુ પાર પડે એવો સર્વમાન્ય ડિજિટાઇઝેશનનો ઉપયોગ થઈ રહ્યો છે. આજના ડિજિટલ યુગમાં ચઢાવો પણ ડિજિટાઇઝ કરાયો છે.

આ નવી કેડી કંડારનાર દીપેશ ઝવેરીએ એ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોટા ભાગનાં દેરાસરોમાં જુદા-જુદા પર્વે ચઢાવો થતો હોય અને એમાં અનેક શ્રાવકો સહભાગી થાય છે. હવે બને છે એવું કે દર વખતે પ્રત્યક્ષ હાજર રહી ચઢાવામાં સામેલ થવું દરેક માટે શક્ય નથી હોતું એથી તેઓ એ લાભથી વંચિત રહી જાય છે. એટલે અમે નવો માર્ગ શોધી કાઢ્યો છે. મૂળમાં તો કોરોના વખતથી જ બહુ બધાં રિસ્ટ્રિક્શન હોવાથી અમે એ અમલમાં મૂકી દીધો હતો, પણ એની ઉપયોગિતા જોતાં અમે એ કન્ટિન્યુ કર્યું છે. અમે ઉછામણી (ચઢાવો) મોબાઇલ પરના વૉટ્સઍપ-ગ્રુપ પર કરીએ છીએ. વળી સામાન્ય રીતે દેરાસરોમાં સવારના સમયે એની ગોઠવણ થાય છે, પણ અનેક લોકોને નોકરીએ કે કામધંધે જવાનું હોય ત્યારે હાજરી આપવી મુશ્કેલ બની જાય છે. અમે રાતે ૯થી ૧૧ વૉટ્સઍપ-ગ્રુપ પર ચઢાવાની બોલી બોલીએ છીએ. એ સમયે મોટા ભાગના શ્રાવકો સમય ફાળવી શકે. બીજું, એમાં ઘેરબેઠાં જ ભાગ લેવાનો હોય છે. દેરાસરમાં કે ગિરદીમાં જવાની જરૂર નથી. અમે જે બોલી બોલવાની હોય એ વિશે જાણ કરીએ એ પછી બોલી ચાલુ થાય. જે શ્રાવકને બોલી બોલવી હોય તે ગ્રુપમાં મેસેજ કરે અને બોલી લગાવે. અમે કુલ ચાર જણ એના પર નિર્ણય લઈએ છીએ, એક ચોક્કસ લિમિટ બાદ એના પર બોલી બંધ કરાય અને જેણે ઊંચી બોલી બોલી હોય તેને લાભ મળે. વૉટ્સઍપ-ગ્રુપ પર કુલ ૨૦૦ સભ્યો છે એમાંથી જનરલી બોલી ૫૦-૬૦ શ્રાવકો બોલતા હોય છે. ચઢાવા અલગ-અલગ હોય છે. જો વધુ હોય તો વધુ ટાઇમ ફાળવવો પડે.’

jain community borivali mumbai mumbai news bakulesh trivedi