ઘાટકોપરના પ્રજ્ઞાચક્ષુ પાર્થ સોમાણીએ મેળવ્યા એચએસસીમાં ૮૫ ટકા

17 July, 2020 03:55 PM IST  |  Mumbai Desk | Mansukh Chotaliya

ઘાટકોપરના પ્રજ્ઞાચક્ષુ પાર્થ સોમાણીએ મેળવ્યા એચએસસીમાં ૮૫ ટકા

પાર્થ સોમાણી

‘જો તમે તમારા સો ટકા આપવા તૈયાર હો તો કોઈ મુશ્કેલી તમારો માર્ગ અટકાવી શકતી નથી’ આ ઉક્તિમાં માનનારા ઘાટકોપર (ઈસ્ટ)ના એચએસસીના વિદ્યાર્થી પાર્થ સોમાણીએ કે. જે. સૌમૈયા કૉલેજ ઑફ આર્ટ્સ અને કૉમર્સમાં અભ્યાસ કરી કૉમર્સ શાખામાં ૮૫ ટકા સાથે અનોખી સિદ્ધિ મેળવી છે.
૨૦૦૨માં જન્મેલો પાર્થ સોમાણી જન્મ સમયે એકદમ સામાન્ય હતો, પરંતુ સાડાત્રણ વર્ષની ઉંમરે તેને ટીબી મેનિન્જાઇટિસ થતાં તેનું 100 ટકા વિઝન ચાલ્યું જતાં તેની બન્ને આંખોની રોશની ચાલી ગઈ હતી. ત્યાર બાદ તેને બે પૅરેલિસિસના હુમલા આવી જતાં તેના ડાબા હાથમાં અસર થતાં એ હાથ પણ ઓછું કામ કરે છે. જોકે આવી સ્થતિ વચ્ચે પણ પાર્થે ઘાટકોપરની એસ.વી.ડી.ડી. સ્કૂલમાં અભ્યાસ કરી દસમા ધોરણમાં ૮૮.૮ ટકા મેળવ્યા હતા. ઘરે પાર્થને ટ્યુશન આપવા ભવિ ગાંધી નામે એક ટ્યુટર પણ રાખેલાં, તેમણે પણ સારો સપોર્ટ કર્યો. સાથે જ પાર્થની કઝિન પણ બારમામાં હતી તેથી તેની નોટ્સ પણ મળી રહેતી હોવાનું પાર્થનાં મમ્મીએ જણાવ્યું છે.
પાર્થ સોમાણી તેની સિદ્ધિ વિશે જણાવતાં કહે છે કે ‘હું દરરોજ કૉલેજમાં થતાં લેક્ચર્સને રેકૉર્ડ કરીને ઘરે પણ એ સાંભળીને ભણતો હતો. બારમા માટે મેં એફવાયજેસીથી જ તૈયારી શરૂ કરી દીધી હતી. માત્ર મારી એક જ વિનંતી સૌને છે કે જો તમારા વર્ગમાં કોઈ દિવ્યાંગ કે સ્પેશ્યલ ચાઇલ્ડ હોય તો તેની સાથે સામાન્ય વ્યક્તિની જેમ જ વર્તન કરી સતત મદદ માટે તૈયાર રહેવું જોઈએ જેથી તેઓ વિના અવરોધે આગળ વધી શકે.’

mumbai news mumbai