બીજા માળની ગૅલરી પહેલા માળની ગૅલરી પર પડી, પહેલા માળની ગૅલરી ગ્રાઉન્ડ ફ્લોર પર પડી

09 August, 2026 07:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાલાસોપારાની ઘટના, જોકે મોટી દુર્ઘટના ટળી : ૫૬ ફ્લૅટમાં રહેતા ૨૫૦ રહેવાસીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા

દુર્ઘટના બાદ સીલ કરી દેવાયેલું રોશની અપાર્ટમેન્ટ બિલ્ડિંગ.

નાલાસોપારામાં શનિવારે બપોરે ૪ માળના રેસિડેન્શિયલ બિલ્ડિંગનો કેટલોક ભાગ અચાનક ધરાશાયી થતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જોકે રાહત અને બચાવટુકડીની સમયસૂચકતાને કારણે બિલ્ડિંગમાં ફસાયેલા તમામ ૨૫૦ જેટલા રહેવાસીઓને સુરક્ષિત બહાર કાઢી લેવાતાં એક મોટી હોનારત ટળી હતી.
આ દુર્ઘટના બપોરે ૧૨.૩૦ વાગ્યે આચોળે વિસ્તારમાં આવેલા એક દાયકા જૂના રોશની અપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં બની હતી. આ બિલ્ડિંગમાં કુલ ૫૬ ફ્લૅટ છે. બિલ્ડિંગના બીજા માળની ગૅલરીનો ભાગ અચાનક તૂટીને પહેલા માળ પર પડ્યો હતો. વજન વધારે હોવાને કારણે પહેલો માળ પણ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ધરાશાયી થયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ, વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVCMC)ના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બચાવટુકડીઓએ બિલ્ડિંગમાં હાજર તમામ લોકોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા.

 વિસ્થાપિત થયેલા પરિવારજનોને કામચલાઉ રાહતશિબિરોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં સ્થાનિક બહુજન વિકાસ આઘાડી (BVA) દ્વારા ખોરાક અને જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે. 

 તાજેતરમાં જ નજીકના થાણે જિલ્લાના ભિવંડીમાં પણ આવું જ એક ભયજનક ૪ માળનું બિલ્ડિંગ સમારકામ દરમ્યાન ધરાશાયી થતાં ૧૦ લોકોનાં મોત થયાં હતાં.

મોટા ભાગના પુરષો બહાર હતા
આ ઘટના સમયે મોટા ભાગના 
પુરુષો કામે ગયા હોવાથી બચાવવામાં આવેલા ૨૫૦ લોકોમાં મુખ્યત્વે મહિલાઓ, બાળકો 
અને વડીલોનો સમાવેશ થતો હતો. હાલ બિલ્ડિંગનો બાકીનો ભાગ અત્યંત ભયજનક સ્થિતિમાં હોવાથી આખા બિલ્ડિંગને સીલ કરી 
દેવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા સ્થળની તપાસ કર્યા બાદ બિલ્ડિંગને તોડી પાડવું કે એનું સમારકામ કરવું એનો આખરી નિર્ણય લેવામાં આવશે.

mumbai news mumbai nalasopara vanchit bahujan aghadi mumbai police vasai virar city municipal corporation