ગોડીજી દેરાસરની ૨૦૦ વર્ષની ઉજવણીના રંગમાં ભંગ

22 December, 2011 07:41 AM IST  | 

ગોડીજી દેરાસરની ૨૦૦ વર્ષની ઉજવણીના રંગમાં ભંગ



સપના દેસાઈ

મુંબઈ, તા. ૨૨

પાયધુનીમાં આવેલા ગોડીજી પાશ્વર્નાથ દેરાસરની ૨૦૦ વર્ષની ઉજવણીની જોરદાર તૈયારી ચાલી રહી હતી, પણ ટ્રસ્ટીઓ વચ્ચેના વિવાદને કારણે આ મહોત્સવ છિન્નભિન્ન થઈ ગયો છે અને જે ભવ્યતાથી દોઢ મહિનો આ મહોત્સવ ઊજવવાનો હતો એને હવે નવ દિવસનો કરી નાખવામાં આવ્યો છે.

ગોડીજી પાશ્વર્નાથ જૈન સંઘ દ્વારા ગોડીજી પાશ્વર્નાથ દેરાસરના મહોત્સવની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગઈ કાલે સંઘના ટ્રસ્ટીઓ વચ્ચે ભારે વિવાદ થયો હતો અને વિવાદને પગલે મહોત્સવની ભવ્ય ઉજવણીમાં ભંગ પડી ગયો છે. સંઘના જ એક કાર્યકર્તાએ નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સંઘમાં કુલ ૧૩ ટ્રસ્ટી છે એમાંથી એક ઉંમરને કારણે ઍક્ટિવ નથી જ્યારે બાકીના બાર ટ્રસ્ટીઓમાંથી એક ટ્રસ્ટી ભારે માથાનો છે. મનમાની કરીને પોતાનું ધાર્યું કરાવવા માગતો આ ટ્રસ્ટી એકલો એક તરફ અને બાકીના અગિયાર એક તરફ એવી હાલત થઈ ગઈ છે, જેને પગલે દોઢ મહિનો ચાલનારો મહોત્સવ હવે નવ દિવસની ઉજવણીમાં જ પૂરો થઈ જવાનો છે.’

વિવાદ શેને લીધે થયો?

છેલ્લા થોડા દિવસથી ટ્રસ્ટીઓ વચ્ચે જે વિવાદ છે એ તો જ્ઞાતિવાદ અને કઈ જ્ઞાતિનું વર્ચસ વધુ છે એના પર ચાલી રહ્યો છે, પણ ગઈ કાલે અલગ જ વિવાદ ઊભો થયો હતો એવું કહેતાં સંઘના આ કાર્યકર્તાએ કહ્યું હતું કે ‘ગોડીજી પાશ્વર્નાથ દેરાસરની ૨૦૦ વર્ષની ભવ્ય ઉજવણીરૂપે પાશ્વર્નાથ ભગવાનની આબેહૂબ નવી મૂર્તિ બનાવવામાં આવી છે, પણ આ મૂર્તિની અંજનશલાકા કરવામાં નહીં આવે. જોકે ગઈ કાલે સમગ્ર મુંબઈમાં ગોડીજી પાશ્વર્નાથ ભગવાનની ૨૦૦ વર્ષ જૂની પ્રાચીન મૂર્તિ હટાવી એની જગ્યાએ આ નવી મૂર્તિ બેસાડવામાં આવવાની છે એવી જોરદાર અફવા ગોડીજી પાશ્વર્નાથ જૈન સંઘના ૧૨ ટ્રસ્ટીઓમાંના આ માથાભારે ટ્રસ્ટીના ઇશારા પર તેના માણસોએ ઉડાવી હતી જેને કારણે સમગ્ર જૈન સમાજના લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. એને પગલે ગઈ કાલે સંઘના તમામ ટ્રસ્ટીઓની ગોડીજી દેરાસરમાં બંધબારણે એક મીટિંગ યોજાઈ હતી. દરેક વાતમાં પોતાની જ મનમાની કરનારા આ ટ્રસ્ટી એક તરફ અને બીજા બધા ટ્રસ્ટીઓ એક તરફ થઈ ગયા હતા. મીટિંગમાં ટ્રસ્ટીઓ વચ્ચે ભારે તડાફડી થઈ હતી. એક તબક્કે તો મામલો અતિગંભીર થઈ ગયો હતો. છેવટે આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની મધ્યસ્થીથી મામલો અત્યાર પૂરતો તો શાંત પડ્યો છે, પણ એની અસર હવે ઉજવણીમાં જોવા મળશે.’