સાંતાક્રુઝના આ એટીએમમાં એન્ટ્રી મેળવવી મુશ્કેલી કેમ પડે છે?

23 December, 2011 06:56 AM IST  | 

સાંતાક્રુઝના આ એટીએમમાં એન્ટ્રી મેળવવી મુશ્કેલી કેમ પડે છે?

 

એની આસપાસના વિસ્તારમાં ટૂ-વ્હીલર પાર્કિંગ હોવાથી ગ્રાહકોને એમાં કઈ જગ્યાએથી પ્રવેશવું એવો પ્રશ્ન ઊભો થાય છે. એટીએમના સિક્યૉરિટી ગાર્ડને બાઇક પાર્ક કરનારાઓ અને એટીએમમાં જવા માગતા ગ્રાહકોની ગાળો ખાવી પડે છે.

એટીએમની દિવસ-રાત દેખરેખ રાખતા સિક્યૉરિટી ગાર્ડ દિનેશ પાટીલે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘સાંતાક્રુઝ-ઈસ્ટમાં સ્ટેશન રોડ પર આવેલી પશ્ચિમ રેલવે પ્રશાસનની જગ્યા પર ટૂ-વ્હીલરોનું ફ્રી પાર્કિંગ છે અને ત્યાં આવેલાં આ ત્રણ એટીએમનું ભાડું સંબંધિત બૅન્ક દ્વારા રેલવે-પ્રશાસનને ચૂકવવામાં આવે છે. બાઇકસવારો એટીએમ નજીકના પરિસરમાં બાઇક એવી રીતે પાર્ક કરે છે જેથી થોડી જ વારમાં એનું પાર્કિંગ હાઉસફુલ થઈ જાય અને એટીએમમાં પ્રવેશનારા ગ્રાહકો માટે જગ્યા જ રહેતી નથી. બૅન્કના એટીએમમાં આવનારા ગ્રાહકો માટે જગ્યા ન રહેતાં તેઓ અમને ગાળો ભાંડે છે, જ્યારે બાઇકસવારોને થોડી જગ્યા રાખી બાઇક પાર્ક કરવાનું કહેવામાં આવે તો તેઓ ‘તુમ તુમ્હારા કામ કરો, હમ કિધર ભી પાર્ક કરે’ એવું કહીને અમારી વાત ટાળી નાખે છે.’

સાંતાક્રુઝના સ્ટેશન-માસ્ટરે કહ્યું હતું કે સાંતાક્રુઝ-ઈસ્ટમાંથી મોટી સંખ્યામાં લોકો સ્ટેશન સુધી રિક્ષાને બદલે બાઇક પર આવતા હોવાથી તેઓ રેલવે-પ્રશાસનના ફ્રી ટૂ-વ્હીલર પાર્કિંગમાં બાઇક પાર્ક કરે છે. જોકે ટૂ-વ્હીલર પાર્કિંગ માટે અન્ય કોઈ જગ્યા જ રહી નથી. જો બાઇકસવારો સ્ટેશન-પરિસરમાં અન્ય સ્થળે બાઇક પાર્ક કરે તો તેમનું બાઇક ટોઇંગ થઈ જાય, જેથી આ પાર્કિંગ હાઉસફુલ થઈ જાય છે.