પેરિસ હિલ્ટનની ભિક્ષામાં મળેલી ૧૦૦ ડૉલરની નોટે તો ભારે કરી

28 September, 2011 06:50 PM IST  | 

પેરિસ હિલ્ટનની ભિક્ષામાં મળેલી ૧૦૦ ડૉલરની નોટે તો ભારે કરી

 

 

અંધેરીની એક મહિલા ભિક્ષુકને અમેરિકાની પૅરિસ હિલ્ટન તરફથી આપવામાં આવેલી આ નોટે તેના ઘરમાં એવી બબાલ ઊભી કરી કે આખરે તેના દિયરે એ ફાડી નાખી

સત્યજિત દેસાઈ, ચેતના યેરુનકર


મુંબઈ, તા. ૨૮


જોકે હવે ખબર પડી છે કે આ નોટને કારણે ઇશિકા નામની આ ભિક્ષુકના પરિવારમાં કૌટુંબિક વિખવાદ થતાં તેના દિયરે ગુસ્સામાં આ નોટ ફાડી નાખતાં એના ટુકડાને કચરાટોપલીમાં નાખી દેવા પડ્યા હતા. આમ આ ભિક્ષુકને પૅરિસ હિલ્ટને આપેલી ૧૦૦ ડૉલરની ભિક્ષા નહોતી પહોંચી.


રવિવારે બૅન્ક બંધ હોવાને કારણે ભિક્ષા મYયા પછી ૨૨ વર્ષની ઇશિકાએ ૧૦૦ ડૉલરની આ નોટ તેના દિયરને આપીને સોમવારે બૅન્કમાંથી એને આપીને ભારતીય રૂપિયા લઈ આવવાનું કહ્યું હતું. જોકે આ નોટને કારણે તેમના આખા ઘરમાં ઝઘડો શરૂ થઈ ગયો હતો, કારણ કે બધાને એ નોટ જોઈતી હતી. આ ઝઘડાને કારણે ગુસ્સે થયેલા ઇશિકાના દિયરે ઉશ્કેરાટમાં એ નોટ ફાડી નાખી હતી. આ બધા ભિક્ષુકો ગોરેગામ સ્ટેશન પાસે રહે છે અને ડૉલર મળ્યા પછી તેમની વચ્ચે મધરાત સુધી ચાલેલા ઝઘડાને કારણે આસપાસમાં આવેલી ઇમારતના મોટા ભાગના રહેવાસીઓ હેરાન-પરેશાન થયા હતા.


પૅરિસ પાસેથી ૧૦૦ ડૉલરની નોટ ભિક્ષામાં મેળવનારી ઇશિકાએ આ ઘટનાક્રમ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘રવિવારે સાંજે અમે અંધેરીના મૉલની બહાર બેઠા હતા ત્યારે મેં ત્યાં ફૉરેનરને જોઈ. હું તેની પાસે જવાની તૈયારી જ કરી રહી હતી ત્યાં એકાએક તેણે જ મને સામેથી બોલાવીને એ નોટ આપી હતી. મેં પહેલાં આવી નોટ ક્યારેય જોઈ ન હોવાને કારણે પહેલાં તો હું મૂંઝાઈ ગઈ હતી અને પછી મેં આસપાસના લોકો પાસે જ્યારે એના છૂટા માગ્યા ત્યારે મને ખબર પડી કે આ તો ૧૦૦ ડૉલરની નોટ છે. મેં આ નોટ મારા દિયરને આપીને સોમવારે બૅન્કમાં જઈને એના બદલામાં ભારતીય રૂપિયા લાવવાનું કહ્યું હતું; પણ અમે મોડી સાંજે ઘરે ગયાં ત્યારે આ નોટને કારણે અમારા ઘરમાં ઝઘડો શરૂ થઈ ગયો હતો, કારણ કે અમારા સમુદાયના બધા લોકો સાથે રહે છે. દરેક વ્યક્તિને આ નોટ જોઈતી હતી અને અમને જેની કિંમત પણ ખબર નહોતી એવી નોટ માટે બધાને લડતા જોઈને મારા દિયરે એ નોટ ફાડી નાખી.’

ઉતાવળિયા નિર્ણય બદલ અફસોસ

પૅરિસ હિલ્ટને આપેલી ૧૦૦ ડૉલરની નોટ ફાડી નાખ્યા પછી અફસોસ કરતાં ઇશિકાનો દિયરે કહ્યું હતું કે ‘એ સમયે મારા હાથમાં ડૉલરની જે નોટ હતી એેને કારણે બધા મારી સાથે અને મારી ભાભી સાથે ખરાબ વર્તન કરી રહ્યા હતા. મારી ભાભી એ નોટ બીજા કોઈને આપવા નહોતી માગતી, કારણ કે એ તેને ભિક્ષામાં મળી હતી; જ્યારે પરિવારના બીજા સભ્યોને એ નોટ જોઈતી હતી. એક નોટ માટે તેમને ઝઘડતા જોઈને મેં ગુસ્સામાં એ ફાડી નાખી હતી. હવે જ્યારે મને એની કિંમતની ખબર પડી છે ત્યારે આ ઉતાવળિયા નર્ણિય બદલ બહુ અફસોસ થઈ રહ્યો છે.’