10 August, 2026 06:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરેશ રાવલ અને તુકારામ મુંઢે
મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) ડિપાર્ટમેન્ટના કમિશનર તરીકે મે મહિનામાં પદભાર સંભાળ્યા બાદ બાહોશ અને નો-નૉન્સેન્સ ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઑફિસર તુકારામ મુંઢેએ મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો છે અને તેમની ચોતરફ પ્રશંસા થઈ રહી છે ત્યારે દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે પણ તુકારામ મુંઢેની પ્રશંસા કરીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમનું રક્ષણ કરવાની વિનંતી કરી છે. પરેશ રાવલે રવિવારે ટ્વીટ કરીને દેવેન્દ્ર ફડણવીસને ટૅગ કરતાં લખ્યું હતું કે ‘ખૂબ જ વિનમ્રતા અને સન્માન સાથે હું આદરણીય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસજીને જણાવવા માગું છું કે શ્રી તુકારામ મુંઢેનું રક્ષણ કરવું અને તેમને તેમના ડિપાર્ટમેન્ટમાંથી ટ્રાન્સફર ન કરવામાં આવે કે કાઢી ન મૂકવામાં આવે એની ખાતરી કરવી એ તેમની પ્રયોરિટી અને તેમનો ધર્મ હોવો જોઈએ.’
સીધે હોજા રે : મુંઢેના ખૌફથી ફૂડ-કલર વિનાનું ચિકન અને મંચુરિયન
મુંબઈની રેસ્ટોરાં તુકારામ મુંઢેના ડરથી હવે આર્ટિફિશ્યલ કલરનો ઉપયોગ કર્યા વિના જ ચિકન લૉલીપૉપ અને મંચુરિયન પીરસી રહી છે. રેસ્ટોરાંમાં ઓરિજિનલ પનીર સર્વ થાય છે એ બાબતની નોટિસ પણ હવે રેસ્ટોરાંના માલિકો જાહેરમાં લગાવવા માંડ્યા છે. આ પહેલાં પણ સાતારામાં તુકારામ મુંઢેની કાર્યવાહીના ડરથી ભેળસેળવાળું સેંકડો લીટર દૂધ એનો ધંધો કરનારાઓએ પોતે જ ઢોળી નાખ્યું હતું. એક પ્રામાણિક ઑફિસરની કાર્યવાહીના ડરથી ખોટી વસ્તુ કરનારા કેટલા લોકો આપોઆપ સીધા થઈ જાય છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે.