26 February, 2025 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૪-૨૦૨૫નું શૈક્ષણિક વર્ષ એકાદ મહિનામાં પૂરું થવામાં છે ત્યારે સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓના પેરન્ટ્સને આવતા વર્ષ માટેની ફી અને બસવાળાઓના ચાર્જ ભરવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાઇવેટ સ્કૂલોમાં ભણતા મોટા ભાગના વિદ્યાર્થીઓ બસમાં જ સ્કૂલ જાય છે. સ્કૂલ જ બસની સુવિધા પૂરી પાડે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલની સાથે બસવાળાઓએ પણ ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે. સ્કૂલ અને વિદ્યાર્થીનું ઘર જેટલા અંતરે આવેલું છે એને આધારે સ્કૂલ વિદ્યાર્થી પાસેથી બસની ફી લે છે. જોકે આમાં સ્કૂલબસનો હિસાબ ગજબ રીતે કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. એક પેરન્ટે કહ્યું હતું કે સ્કૂલથી બે કિલોમીટરના અંતરે રહેતા વિદ્યાર્થી પાસેથી વર્ષે ૨૩ હજાર રૂપિયા બસના ચાર્જ તરીકે લેવામાં આવે છે, જ્યારે ૭ કિલોમીટરના અંતર માટે ૧૯ હજાર રૂપિયા લેવામાં આવે છે. આવો હિસાબ શા માટે કરવામાં આવ્યો છે એ વિશે જોકે કોઈ કંઈ બોલતું નથી. સ્કૂલમાં પૂછીએ તો તેઓ બસવાળા પર ઢોળી નાખે છે અને બસવાળા સ્કૂલ ચાર્જ નક્કી કરતી હોવાનો જવાબ આપે છે.