સ્કૂલો ચાલુ રાખવાના મુદ્દે સરકાર સાથે લડી લેવાના મૂડમાં પેરન્ટ્સ

27 December, 2021 10:31 AM IST  |  Mumbai | Pallavi Smart

પૂરું લૉકડાઉન ન થાય ત્યાં સુધી ઑફલાઇન વર્ગો ચાલુ રાખવાની વાલીઓની માગણી

ફાઇવ ગાર્ડન્સ નજીક આવેલી સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ

કોરોનાના કેસ વધવાની સ્થિતિમાં જો સૌથી પહેલાં ઑફલાઇન શિક્ષણનો ભોગ લેવાયો તો વાલીઓ ફરી વખત સરકાર સાથે લડી લેવાના મૂડમાં છે. વાલીઓનું કહેવું છે કે જ્યાં સુધી આખા શહેરમાં લૉકડાઉન લાગુ ન થાય ત્યાં સુધી ઑફલાઇન વર્ગો ચાલુ રહેવા જોઈએ. સાથે જ તેમણે નિર્ણય લેતાં પહેલાં પીડિયાટ્રિક અસોસિએશન પાસેથી નવી ભલામણો મેળવવાની વિનંતી પણ કરી હતી.
સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા એક મેસેજમાં જણાવાયું છે કે શાળા શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે ઓમાઇક્રોનના કેસ વધે તો સ્કૂલો બંધ કરવામાં આવી શકે છે. શિક્ષણપ્રધાને આવું કોઈ નિવેદન આપ્યું નથી, પણ વાલીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. તેમને આશંકા છે કે સૌથી પહેલાં સ્કૂલો બંધ કરવામાં આવશે. આથી તેઓ અન્ય પ્રવૃત્તિઓ ચાલુ રહે ત્યાં સુધી સ્કૂલો ખુલ્લી રહે એ સુનિશ્ચિત કરી રહ્યા છે.
સુધા કર્ણિક નામનાં વાલીએ જણાવ્યું હતું કે ‘સ્કૂલો અન્ય જાહેર સંસ્થાઓ અને પરિવહનના વિકલ્પોથી જુદી નથી. તો પછી શા માટે સ્થિતિ કથળે ત્યારે સૌથી પહેલાં સ્કૂલો જ બંધ કરાય છે? વળી કોરોનાનું સંક્રમણ કેટલું લાંબું ચાલશે એ કોઈ નથી જાણતું. જ્યારે પણ સંક્રમિત લોકોની સંખ્યા વધે ત્યારે દર વખતે શું માત્ર સ્કૂલો જ બંધ કરવાની હોય છે?’
મુંબઈ પેરન્ટ્સ અસોસિએશન એમની માગણીને વેગ આપવા માટે વધુ ને વધુ પેરન્ટ્સને સાંકળવા માટે પ્રયત્નશીલ છે. ગ્રુપનાં એક વાલી મોનેશી શાહે જણાવ્યું હતું કે ‘વહીવટી સ્તરે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં સરકારે પીડિયાટ્રિક ટાસ્ક ફોર્સ પાસેથી સાચી માર્ગદર્શિકા મેળવવી જોઈએ. બાળકોની સલામતી બાબતે તેમનાં માતા-પિતા કરતાં વધુ કોઈ સાવધાની વર્તી શકે નહીં.’

mumbai mumbai news lockdown pallavi smart