મુંબઈના પેરન્ટ્સ કહે છે ફીમાં 50 ટકાની રાહત આપવી જોઈએ

02 October, 2020 09:55 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

મુંબઈના પેરન્ટ્સ કહે છે ફીમાં 50 ટકાની રાહત આપવી જોઈએ

પ્રતીકાત્મક તસવીર

કોરોનાને કારણે સ્કૂલો બંધ હોવા છતાં પૂરી ફી લેવામાં આવતા પેરન્ટ્સનો વિરોધ ચાલુ જ છે ત્યારે ગુજરાત સરકારે તમામ બોર્ડની સ્કૂલોની ફીમાં આ વર્ષે ૨૫ ટકા રાહત આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. એટલું જ નહીં ઈતર પ્રવૃત્તિ માટે લેવાતી ફી પણ ન લેવાનો આદેશ સ્કૂલોને આપ્યો હતો. આવા સમયે મહારાષ્ટ્ર સરકારે પણ ગુજરાતની જેમ તાત્કાલિક નિર્ણય લઈને સ્કૂલોને આદેશ આપવાની સાથે ફીમાં ૫૦ ટકાની રાહત આપવી જોઈએ એવી માગણી પેરન્ટ્સે કરી છે.

ઘાટકોપરમાં રહેતા મિતુલ વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી દીકરી પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. હાલ સ્કૂલ બંધ છે. ઑનલાઈન એજ્યુકેશન ચાલુ છે. સ્કૂલમાં ટીચર્સના પગાર સિવાય લાઇટ બિલ સહિતના ખર્ચ નથી ત્યારે સ્કૂલે ફીમાં પચાસ ટકા રાહત આપવી જોઈએ તેમ જ ઈતર પ્રવૃત્તિઓની ફી તો માફ જ કરવી જોઈએ.’

કુર્લામાં રહેતાં રૂપલ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક દીકરો અને એક દીકરી છે. હું સિંગલ મધર છું. કોરોનાને કારણે આર્થિક મુશ્કેલી સર્જાઈ છે ત્યારે સ્કૂલ કે કૉલેજ દ્વારા પૂરી ફી લેવાઈ રહી છે, જેને કારણે મોટા ભાગના રૂપિયા સ્કૂલ-કૉલેજ ચાલુ ન હોવા છતાં ફીમાં જ ખર્ચાઈ જાય છે. ગુજરાતમાં જેમ સ્કૂલ ફીમાં રાહત આપી એમ મહારાષ્ટ્રમાં પણ ફીમાં રાહત આપવાની જાહેરાત કરવી જોઈએ.’

વિલે પાર્લેમાં આવેલી જમનાબાઈ નરસી ઇન્ટરનૅશનલ સ્કૂલનાં પ્રિન્સિપાલ જિન્નત ભોજાબાયે‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં પણ સ્કૂલની ફીમાં અમુક ટકા રાહત આપવા બાબતે હું કોઈ કમેન્ટ નહીં કરું. હું સ્ટેટના આદેશની વેઇટ કરીશ. રાજ્ય સરકાર જો આવો કોઈ આદેશ આપશે તો વિચારીશું.’

ટીચર્સ તો સ્કૂલમાં આવીને ભણાવે છે, સ્કૂલનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો તો યુસ થાય જ છે. લાઇટ બિલ પણ આવે જ છે. પ્રોપર્ટી ટૅક્સ પણ ભરવાનો જ છે. સ્કૂલ મૅનેજમૅન્ટને ગવર્મેન્ટે તો કોઈ રાહત આપી નથી. આથી અમે ફીમાં કેવી રીતે રાહત આપી શકીએ?
- કવિતા હેગડે, ગોરેગામની રાયન ઇન્ટરનૅશનલ સ્કૂલનાં પ્રિન્સિપાલ

mumbai mumbai news ghatkopar urvi shah-mestry