પહેલી ફેબ્રુઆરીથી સ્કૂલ-બસો ફરી શરૂ થશે, પણ ફીમાં ૩૦ ટકાના વધારા સાથે

24 January, 2022 10:38 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

અસોસિએશને ગયા અઠવાડિયે રાજ્યના પરિવહન વિભાગના વડાને પત્ર લખીને તેઓ ફરીથી બસસર્વિસ શરૂ કરી શકે એ માટે બસનું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે આરટીઓ ઑફિસની અપૉઇન્ટમેન્ટ માટે વિનંતી કરી હતી

મરીન ડ્રાઇવસ્થિત શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ જૈન હાઈ સ્કૂલમાં ૧૩ ઑક્ટોબર, ૨૦૧૬ના રોજ બસમાંથી ઊતરી રહેલા સ્ટુડન્ટ્સની પ્રતીકાત્મક તસવીર. (તસવીર : સતેજ શિંદે)

આજથી ૧થી ૧૨ ધોરણના વર્ગો ફરીથી શરૂ થઈ રહ્યા છે એના એક અઠવાડિયા પછી સ્કૂલ-બસો પણ પોતાની પૂર્ણક્ષમતાએ કામ શરૂ કરશે. સ્કૂલ બસ ઓનર્સ અસોસિએશન (એસબીઓએ), મહારાષ્ટ્રે જણાવ્યું હતું કે ૧ ફેબ્રુઆરીથી સ્કૂલ-બસો એમની પૂર્ણ ક્ષમતાએ કામ શરૂ કરશે ત્યારે સ્કૂલ-બસની ફીમાં પણ ૩૦ ટકાનો વધારો કરાશે. 
અસોસિએશને ગયા અઠવાડિયે રાજ્યના પરિવહન વિભાગના વડાને પત્ર લખીને તેઓ ફરીથી બસસર્વિસ શરૂ કરી શકે એ માટે બસનું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે આરટીઓ ઑફિસની અપૉઇન્ટમેન્ટ માટે વિનંતી કરી હતી. અસોસિએશને ટ્રાન્સપોર્ટ કમિશનરને કહ્યું હતું કે તેમને હજી સુધી વેરામાં રાહત આપતા સર્ક્યુલરની પ્રત મળી નથી. 
મહારાષ્ટ્રના એસબીઓએના પ્રમુખ અનિલ ગર્ગે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે તેઓ આવશ્યક તમામ નિયમોને બંધનકર્તા રહી બસસર્વિસ ફરી શરૂ કરવા માટે અપૉઇન્ટમેન્ટ માગે છે અને ૧ ફેબ્રુઆરીથી કોવિડ-19ના તમામ નિયમોનું પાલન કરીને પૂર્ણક્ષમતા સાથે બસસર્વિસ શરૂ કરવા ઇચ્છે છે. 
એસબીઓએએ એને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે હાલની બસની ફીમાં ૩૦ ટકાના વધારાની માગણી કરી છે. તેમણે કહ્યું હતું કે ફ્યુઅલની કિંમતમાં વધારો, મહામારીને લીધે થયેલું નુકસાન અને સ્કૂલ-બસના ક્રૂના વેતનમાં વધારાને ધ્યાનમાં રાખીને પણ બસ-ફીમાં વધારો જરૂરી છે. એક અંદાજ મુજબ એમએમઆરમાં કુલ ૫૦,૦૦૦ બસ છે અને ૧.૫૦ લાખ જેટલા કર્મચારીઓ છે. 
રાજ્ય સરકાર તરફથી બુધવાર, ૧ એપ્રિલ ૨૦૨૦થી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીના સમયગાળા માટેના મોટર વાહન કર પર ૧૦૦ ટકા માફી સાથે કોવિડનો માર વહન કરનારી સ્કૂલ-બસ વ્યવસાયને રાહત મળી છે.
અનિલ ગર્ગે જણાવ્યું હતું કે ‘બસ એક જ જગ્યાએ લગભગ બે વર્ષ માટે પાર્ક કરવામાં આવી હોવા છતાં સરકારી અધિકારીઓએ એના પર દંડ લાગુ કર્યા છે. આ ઉપરાંત બસચાલકોએ અન્ય ખોટ પણ સહન કરવી પડી છે.’ 
બે વર્ષ સુધી બસ ચલાવ્યા વિના પડી રહી હોવાથી અસોસિએશને બસની કાર્ય કરવાની સમયમર્યાદામાં પણ બે વર્ષનો વધારો કરવાની માગણી કરી હતી. 
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશો મુજબ ૨૪ જાન્યુઆરીથી રાજ્યમાં તમામ સ્કૂલો ૧થી ૧૨ ધોરણના વર્ગો માટે ફરી શરૂ કરવામાં આવી રહી છે, જે માટે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત રહેશે. 

mumbai mumbai news rajendra aklekar