વાશીના ગુજરાતી ટ્રાવેલ એજન્ટનું વિચિત્ર રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ

30 December, 2012 05:25 AM IST  | 

વાશીના ગુજરાતી ટ્રાવેલ એજન્ટનું વિચિત્ર રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ



રોહિત પરીખ

ઘાટકોપર, તા. ૩૦

નવી મુંબઈના વાશીમાં રહેતો અને ત્યાં જ ટ્રાવેલિંગ એજન્સીનું કામ કરતો ૩૬ વર્ષનો સૉફ્ટવેર એન્જિનિયર પરાગ રજનીકાંત શેઠ ગુરુવારે રાતે ઘાટકોપરથી તેની ઉઘરાણી કરીને રાતે દોઢ વાગ્યે મોટરબાઇક પર વાશીના સેક્ટર-નંબર ૨૯ના ઘરે જઈ રહ્યો હતો એ સમયે નવી મુંબઈના ખાડી પુલ પર કોઈ વાહને તેને ઉડાડી દેતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પરાગના સંબંધીઓએ આપેલી માહિતી મુજબ અકસ્માત પછી પરાગની ડેડ-બૉડી પોલીસને ત્રણ ટુકડામાં મળી હતી અને તેનો ચહેરો પણ છૂંદાઈ ગયો હતો. 

શુક્રવારે પરાગના સંબંધીઓ તેની ડેડ-બૉડી લેવા વાશી ગયા ત્યારે વાશી પોલીસે તેમને પરાગનો એક ટેમ્પો સાથે અથડાવાથી અકસ્માત થયો હતો અને એ ટેમ્પોચાલકની પોલીસે ધરપકડ કરી છે એવી માહિતી આપી હતી, પરંતુ ‘મિડ-ડે’ સાથે વાશી પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર સરદેસાઈએ આ અકસ્માત સંબંધી વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે હજી સુધી કોઈની ધરપકડ કરી નથી.

મૂળ દશા સોરઠિયા અને છ વર્ષ પહેલાં પરણીને વિદ્યાવિહાર (ઈસ્ટ)ની ડી કૉલોનીની ચિંતામણિ સોસાયટીમાંથી વાશી રહેવા ગયેલો પરાગ સૉફ્ટવેર એન્જિનિયર હતો. સ્વભાવમાં મોજીલા અને મળતાવડા પરાગના કુટુંબમાં પત્ની ઉપરાંત પાંચ વર્ષનો એક પુત્ર પણ છે. રજનીભાઈના બે પુત્રોમાં પરાગ મોટો છે. તેનો અમેરિકામાં રહેતો ભાઈ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે આવ્યા બાદ પરાગના ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરાગનું સાસરું પણ વાશીમાં જ છે. જે રાતે પરાગનો અકસ્માત થયો એ સમયે નાતાલનું વેકેશન હોવાથી તેની પત્ની પુત્રને લઈને પિયર રહેવા ગઈ હતી. ઘટનાને દિવસે પરાગ તેના કોઈ ગ્રાહક પાસે ઉઘરાણી કરી મોડી રાતે દોઢ વાગ્યે મોટરબાઇક પર વાશીના તેના નિવાસસ્થાને પાછો જઈ રહ્યો હતો એ સમયે પાછળથી આવી રહેલું કોઈ વાહન તેના પર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસને તેની બૉડી ત્રણ ટુકડામાં અને છૂંદાયેલા ચહેરા સાથે મળી હતી.

પરાગના માસા રજની કાચલિયાએ આ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પરાગનો કેવી રીતે અકસ્માત થયો એની પૂરી માહિતી અમે જાણતા નથી, પરંતુ શુક્રવારે સવારે છ વાગ્યે વાશી પોલીસ પરાગનું ડ્રાઇવિંગ લાઇસન્સ લઈને વિદ્યાવિહાર (ઈસ્ટ)ની ડી કૉલોનીના તેના નિવાસસ્થાને ગઈ હતી. ત્યાં જઈને તેના પિતા રજનીભાઈને મળી હતી અને ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવીને પરાગનો અકસ્માત થયો છે એમ જણાવીને તેમને પોતાની સાથે વાશી લઈ ગઈ હતી. ત્યાં તેનાં માતા-પિતાને પરાગનું અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. પરાગના મોતના સમાચાર સાંભળીને તેનાં માતા-પિતા ભાંગી પડ્યાં હતાં. અમારા કુટુંબનો એક સભ્ય શુક્રવારે પરાગની ડેડ-બૉડીનો કબજો લેવા ગયો હતો. તેને પોલીસે જણાવ્યું હતું કે કોઈ ટેમ્પો રાતે દોઢ વાગ્યે પરાગની બાઇકને અથડાવાથી પરાગનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને ટેમ્પોનો કબજો લઈને ડ્રાઇવરની ધરપકડ કરી છે.’

આ સંદર્ભમાં વાશી પોલીસ-સ્ટેશને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી.