પેપર ચેક થઈ ગયાં, ટીચર્સ ભુલાઈ ગયા

17 September, 2020 07:55 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

પેપર ચેક થઈ ગયાં, ટીચર્સ ભુલાઈ ગયા

પેપર ચેક થઈ ગયાં, ટીચર્સ ભુલાઈ ગયા

પ્રી‌તિ ખુમાણ ઠાકુર
મુંબઈ ઃ કોરોના મહામારીના કારણે આ વખતે દસમા ધોરણનું રિઝલ્ટ ૨૯ જુલાઈએ જાહેર થયું હતું. એમ છતાંય આ રિઝલ્ટ માટે કલાકો સુધી મહેનત કરીને પેપર તપાસ કરનાર એક્ઝામિનર/મૉડરેટરને મહેનતાણું દોઢ મહિનો થવા આવ્યો છતાં બોર્ડ દ્વારા અપાયું ન હોવાની આંચકાજનક બાબત પ્રકાશમાં આવી છે. કોરોના મહામારીમાં અને લૉકડાઉન‌ જેવી સ્થિત‌િમાં પોતાનો જીવ જોખમમાં નાખીને પણ નિર્દેશ અનુસાર કામ પૂરું કરીને સહકાર્ય કરતાં સમય પર પરિણામ આપવાનું શક્ય બન્યું હતું. એટલી મહેનત છતાં પણ દોઢ મહિનો વીતી ગયો, પરંતુ શિક્ષકોને એનું વળતર ન મળતાં શિક્ષક વર્ગમાં આ વિશે નારાજગી વ્યાપી છે.
કોરોના મહામારીએ મહારાષ્ટ્ર અને વિશેષ કરીને મુંબઈમાં એનો પગપેસારો કર્યો છે. પ્રતિદિન કોરોના મીટર દોડી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પણ દસમા ધોરણનું રિઝલ્ટ જાહેર થાય એ માટે લૉકડાઉનની પરિસ્થિતિમાં પણ જીવનું જોખમ હોવા છતાં શિક્ષકોએ પોતાની ફરજ બજાવી અને કલાકો પેપર તપાસવામાં લગાડ્યા હતા. આ વિશે માહિતી આપતાં ટીચર્સ ડેમોક્રેટિક ફ્રન્ટના ઉપાધ્યક્ષ રાજેશ પંડ્યાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ટીચરોએ પ્રાઇવેટ વાહનોમાં પ્રવાસ કરીને પોતાના ખિસ્સામાંથી એનો ખર્ચ ઉપાડવો પડ્યો હતો. દરેક શિક્ષકને ૫૦૦થી ૮૦૦ રૂપિયાથી વધુ ખર્ચ વેઠવો પડ્યો હતો. એમાં લાંબા અંતરથી આવતા શિક્ષકોની તો કફોડી હાલત થઈ હતી. આ બધી બાબતને ધ્યાનમાં રાખીને બોર્ડનાં પેપર તપાસવાના મહેનતાણા સાથે જ પ્રવાસનો ખર્ચ એમ રકમમાં વધારો કરીને આપવા વિશે અનેક વખત માગણી કરાઈ છે. દર વખતે એક્ઝામિનરોને પોતાના મૉડરેટર પાસે ચારથી પાંચ વખત જવું પડે છે ત્યારે પ્રવાસના ફક્ત ૨૦૦ રૂપિયા જ અપાય છે, જે ખૂબ ઓછા છે. મૉડરેટરને પણ પેપર તપાસવામાં કલાકો નાખવા પડે છે, ૧૨૦૦થી ૧૫૦૦ પેપરનું મહેનતાણું ઓછું અપાય છે એ પણ યોગ્ય નથી. અમારી મહેનતને માન આપીને બોર્ડે આ વિશે યોગ્ય ધ્યાન આપવું જોઈએ.’

વિદ્યાર્થીઓનાં પેપર સ્કૂલથી ઘરે અને મૉડરેટર પાસે જમા કરાવવા જવા માટે ખૂબ હેરાનગતિ વેઠવી પડી હતી. લોકલ ટ્રેન સેવા બંધ અને એની સાથે સાર્વજનિક બસમાં પણ પ્રવેશની અનુમતિ ન મળતાં પ્રાઇવેટ વાહનોમાં પ્રવાસ કરીને પોતાના ખિસ્સામાંથી એનો ખર્ચ ઉપાડવો પડ્યો હતો
- રાજેશ પંડ્યા, ટીચર્સ ડેમોક્રેટિક ફ્રન્ટના ઉપાધ્યક્ષ

mumbai mumbai news preeti khuman-thakur