ટૅન્કરનું ઢાંકણું સીલ હોવા ઑઇલ ચોરતી ગૅન્ગ પકડાઈ

12 April, 2021 10:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પનવેલ પોલીસે ગૅન્ગ પાસેથી ઑઇલ સહિત તેમના ટૅન્કર અને અન્ય વાહનો મળીને ૪૨ લાખ રૂપિયાની મતા જપ્ત કરી હતી

પ્રતીકાત્મક તસવીર

પનવેલ સિટી પોલીસે મિક્સ ઇન્ડસ્ટ્રિયલ હાઇડ્રો કેમિકલ ઑઇલની ચોરી કરતી ટ્રાન્સપોર્ટ માલિકોની ગૅન્ગને ઝડપી લીધી છે. પનવેલ સિટી પોલીસે ઑઇલચોરીના આ ષડયંત્ર વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘તળોજાની કંપની હસ્તી કેમિકલ દ્વારા ફરિયાદ કરાઈ હતી કે મિક્સ ઇન્ડસ્ટ્રિયલ હાઇડ્રો કેમિકલ ઑઇલ ટ્રાન્સપોર્ટમાં મોકલતી વખતે ટેન્કરનાં ઢાંકણાં સીલ હોવા છતાં માલ પાર્ટી પાસે પહોંચે ત્યારે એમાં ભેળસેળ થઈ હોવાની ફરિયાદ આવે છે. એથી પનવેલ પોલીસે આ સંદર્ભે ઑઇલ ટ્રાન્સપોર્ટ કરતા ટૅન્કર પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. ૯ એપ્રિલે રાતે ૧.૩૦ વાગ્યે મુંબઈ-ગોવા રોડ પર પળસપે પાસેના એક ધાબા પાસે ટૅન્કર ઊભું હતું ત્યારે એના ઢાંકણાનું સીલ ન ખોલતાં ઢાંકણાને જ આખું એના નટ-બોલ્ટ સાથે બહાર કાઢી લેવાતું હતું અને ત્યાર બાદ ટૅન્કરમાં પાઇપ નાખી ઑઇલની ચોરી થતી હતી. ત્યાર બાદ ફરી ઢાંકણું બેસાડી નટ-બોલ્ટથી ફિટ કરી દેવાતું હતું. આમ ઢાંકણા પર લગાડેલું સીલ ઇન્ટેક્ટ રહેતું હતું અને ટૅન્કરમાંથી ઑઇલ ચોરી લેવાતું હતું. જોકે એક વાતની કાળજી એ પણ લેવાતી હતી કે જેટલી માત્રામાં ઑઇલ ચોરી કરાયું હોય એટલું જ પાણી એમાં ભેળવી દેવાતું હતું, જેથી વજનમાં કોઈ ફરક ન પડે. ચોરાયેલું ઑઇલ ત્યાર બાદ ટ્રાન્સપોર્ટરો તેમની ટ્રકમાં ઈંધણ તરીકે વાપરતા હતા. પનવેલ પોલીસે આ કેસમાં એક ડ્રાઇવર અન પાંચ અલગ-અલગ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકોની ધરપકડ કરી છે. પનવેલ પોલીસે તેમની પાસેથી ઑઇલ સહિત તેમના ટૅન્કર અને અન્ય વાહનો મળીને ૪૨ લાખ રૂપિયાની મતા જપ્ત કરી હતી.’

mumbai mumbai news navi mumbai panvel