પનવેલનો વિધાનસભ્ય બોલું છું એમ કહીને ૧૦ વ્યક્તિ પાસેથી પૈસાની માગણી કરવામાં આવી

08 May, 2025 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પનવેલ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે વિધાનસભ્ય પ્રશાંત ઠાકુરે આપેલી માહિતી અનુસાર અમે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે.

પ્રશાંત ઠાકુર

પનવેલના ૫૦ વર્ષના ધારાસભ્ય પ્રશાંત ઠાકુરનો અવાજ કાઢીને ૧૦થી વધારે વ્યક્તિ પાસેથી પૈસાની માગણી કરનાર યુવાન સામે ગઈ કાલે પનવેલ સિટી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સોમવારે અને મંગળવારે પનવેલ વિસ્તારમાં રહેતી જાણીતી વ્યક્તિઓને અજાણ્યા યુવાને ફોન કરીને પોતાની ઓળખ પ્રશાંત ઠાકુરના સેક્રેટરી તરીકે આપી હતી. પહેલા પોતે વાત કર્યા બાદ આગળ પ્રશાંત ઠાકુર વાત કરશે એમ કહીને ફોન ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એ પછી પ્રશાંત ઠાકુરના નામે વાત કરનાર વ્યક્તિએ અલગ-અલગ કારણો આપી પૈસાની માગણી કરી હતી. પ્રાથમિક માહિતીના આધારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને વિધાનસભ્યનો અવાજ કાઢવામાં આવ્યો હોય એવી શંકા સાથે પોલીસ તપાસ કરી રહી છે.

પનવેલ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિધાનસભ્ય પ્રશાંત ઠાકુરે આપેલી માહિતી અનુસાર અમે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. સોમવારે સવારથી પનવેલ સહિત આસપાસના વિસ્તારોમાં રહેતી નામાંકિત વ્યક્તિઓને વિધાનસભ્યના નામે ફોન આવ્યા હતા જેમાં અલગ-અલગ કામ કહી પૈસાની માગણી કરવામાં આવી હતી. એ દરમ્યાન વિધાનસભ્યના નજીકના દિલીપ ચૌહાણને પણ આ જ રીતે ફોન આવ્યો હતો જેમાં શરૂઆતમાં સેક્રેટરીએ વાત કર્યા બાદ ફોન વિધાનસભ્યને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ કેસમાં ભોપાલની એક પાર્ટીને પૈસા ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે એ સમયે દિલીપને શંકા આવતાં તેણે તાત્કાલિક વિધાનસભ્યને જાણ કરતાં ઘટનાનો ખુલાસો થયો હતો. આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

panvel crime news mumbai crime news mumbai police ai artificial intelligence cyber crime news mumbai mumbai news