હવે તો પાછા ફરવાના યાત્રા સંપન્ન કરીને જ

28 August, 2026 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇમિગ્રેશનમાં મોડું થઈ ગયું એટલે પનવેલનો ગુજરાતી પરિવાર રોડને બદલે હેલિકૉપ્ટરમાં તિબેટ પહોંચ્યો એને લીધે બચી ગયો

આ ગુજરાતીઓનો થયો છે આબાદ બચાવ

નેપાલ પર જળપ્રલયની આફત ત્રાટકી એ સમયે કૈલાસ-માનસરોવરની યાત્રા પર ગયેલા પનવેલના એક ગુજરાતી પરિવારનો આબાદ બચાવ થયો છે. નેપાલ-તિબેટ બૉર્ડર પર ઇમિગ્રેશનમાં મોડું થયું એટલે તેમણે રોડને બદલે હેલિકૉપ્ટરમાં તિબેટ પહોંચવાનું નક્કી કર્યું હતું. જો આ નિર્ણય ન લેવાયો હોત તો કદાચ તેમને રસ્તામાં જ જળપ્રલયનો સામનો કરવો પડ્યો હોત. અસરગ્રસ્ત વિસ્તારમાંથી થોડા જ કલાક પહેલાં સલામત રીતે નીકળી ગયેલો આ પરિવાર હવે તેમની યાત્રા પૂરી કરીને જ પાછો ફરશે.

‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં આ પરિવારના સભ્ય અને આ વર્ષે યાત્રામાં ન જોડાયેલા અશ્વિન શાહે જણાવ્યું હતું કે ‘મારી પત્ની અંજના, પુત્ર ધીરેન, પુત્રવધૂ યુક્તિ, ભાઈ જયંત અને ભાભી હંસા શાહ કૈલાસ-માનસરોવરની યાત્રાએ ગયાં છે. તેઓ નેપાલના જળતાંડવના આશરે આઠથી ૯ કલાક પહેલાં જ એ લોકેશન પરથી નીકળી ગયાં હતાં. અત્યારે બધાં જ તિબેટમાં સુરક્ષિત છે. મેં ગુરુવારે સાંજે મારા પરિવારના તમામ સભ્યો સાથે વાત કરી હતી. હવે હું પ્રાર્થના કરી રહ્યો છું કે તેઓ તેમની યાત્રા સુરક્ષિત રીતે પૂરી કરે અને ઘરે પાછા ફરે.’
ટૂર-લીડર શૈલેષ મહેશ્વરીએ પનવેલના અશ્વિન શાહના પરિવારના તમામ સભ્યો સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે અમે અત્યારે તિબેટમાં છીએ અને આજે અમે તિબેટથી કૈલાસ-માનસરોવરની યાત્રા  આગળ ધપાવીશું.’ 



અટવાયેલા નાગરિકો માટે રાજ્ય સરકારની હેલ્પલાઈન 
સ્ટેટ કન્ટ્રોલ-રૂમનો ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર : 1070 
કન્ટ્રોલ-રૂમ: +91-9321587143
ઈ-મેઇલ :  controlroom@maharashtra.gov.in
આ ઉપરાંત નેપાલમાં અટવાયેલા પ્રવાસીઓને સરકારના સહાયતા પોર્ટલ દ્વારા પોતાની વિગતો અપલોડ કરવા પણ જણાવાયું છે.
વેબ લિન્ક : geospatial.mahaseoc.in/sahayata_gulf

જરાય ગભરાઓ નહીં, અમે તમારી સાથે જ છીએ : દેવેન્દ્ર ફડણવીસે વિડિયો-કૉલ પર આપી હૈયાધારણ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે નેપાલમાં પૂર આવવાના કારણે ફસાયેલા મહારાષ્ટ્રના ટૂરિસ્ટો સાથે વાત કરી હતી અને તેમને કોઈ પણ ચિંતા ન કરવાની વિનંતી કરી હતી. મહારાષ્ટ્ર સરકાર તેમને ત્યાંથી બહાર સુરક્ષિત કાઢવા માટે સજ્જ હોવાનું આશ્વાસન આપતાં દેવેન્દ્ર ફડણવીસે નાગપુર સહિત મહારાષ્ટ્રના બધા જ લોકોને પાછા લાવવા જણાવ્યું હતું. તેમને કોઈ પણ જાતની ચિંતા ન કરવા તથા સુરક્ષિત પાછા લાવવા માટે વિદેશ મંત્રાલયની સાથે વાતચીત શરૂ હોવાનું જણાવ્યું હતું. 

- અભિતાષ સિંહ

mumbai news mumbai gujaratis of mumbai gujarati community news nepal tibet maharashtra government devendra fadnavis