પંતનગર પોલીસે બોલાવેલી મીટિંગમાં લેવાયો પોલીસનો ઊધડો

20 September, 2012 06:14 AM IST  | 

પંતનગર પોલીસે બોલાવેલી મીટિંગમાં લેવાયો પોલીસનો ઊધડો




(રોહિત પરીખ)

ઘાટકોપર-ઈસ્ટના પંતનગર પોલીસ-સ્ટેશનને ગારોડિયાનગરના રહેવાસીઓ સાથે જનજાગૃતિ આણવાના ઉદ્દેશથી ગારોડિયાનગરના લાયન્સ કૉમ્યુનિટી હૉલમાં મીટિંગ લીધી, જેમાં પોલીસના માર્ગદર્શન સાંભળ્યા પછી એ જ માર્ગદર્શન સામે મીટિંગમાં હાજર રહેલા સિનિયર સિટિઝન્સ અને મહિલાઓએ પોલીસનો ઊધડો લીધો હતો. જેમાં મુખ્ય મુદ્દો એ હતો કે પોલીસ-સ્ટેશનમાં સિનિયર સિટિઝન્સ અને મહિલાઓનું પણ રિસ્પેક્ટ જળવાતું નથી અને તેમની ફરિયાદો પર પણ પૂરતું ધ્યાન અપાતું નથી. પોલીસ-સ્ટેશનમાં સિનિયર સિટિઝન્સ અને મહિલાઓ માટે એક સ્પેશ્યલ સેલ હોવો જોઈએ એવી માગણી કરવામાં આવી હતી. એટલું જ નહીં, ચેઇન-સ્નૅચિંગ થવી ઘટના બને તો પોલીસ પહેલે જ ઝાટકે ફરિયાદ કરનારને તમારી ચેઇન નહીં મળે કહીને ડિપ્રેસ કરી દે છે, જે થવું ન જોઈએ એવી પણ માગણી કરવામાં આવી હતી.

પંતનગર પોલીસ-સ્ટેશને ગારોડિયાનગર અને સોમૈયા કૉલેજના વિસ્તારોને આવરી લેતા સુધરાઈ વૉર્ડ નંબર-૧૨૭ની નગરસેવિકા ફાલ્ગુની દવેની વિનંતીથી ગારોડિયાનગરના રહેવાસીઓ સાથે ૧૧ સપ્ટેમ્બરના જનજાગૃતિ માટે એક મીટિંગ કરી હતી. જેમાં પંતનગરપોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ નર્મિલે કહ્યું હતું કે ‘સિનિયર સિટિઝને ઘરમાં નોકર રાખતાં પહેલાં નોકરની સંપૂર્ણ માહિતી તેના ફોટા સાથે નજદીકના પોલીસ-સ્ટેશનમાં આપવી જોઈએ. તેમણે તેમની મૂલ્યવાન વસ્તુ લગ્ન જેવા પ્રસંગ બાદ કરતા બૅન્કના સેફ ડિપોઝિટ વૉલ્ટમાં રાખવી જોઈએ. જો કોઈ સિનિયર સિટિઝન એકલા રહેતા હોય તો તેને આ બાબતની માહિતી નજદીકના પોલીસ-સ્ટેશનને, સંગાંસંબંધીને તેમ જ સોસાયટીને આપવી જોઈએ. ઘરમાં અત્યંત આધુનિક સુરક્ષા યંત્રો જેવા કે ડૉર-અલાર્મ, ઇલેક્ટ્રૉનિક આઇ-બેલ વગેરે બેસાડવા જોઈએ. ઘરનો દરવાજો વ્યવસ્થિત બંધ કરવો જોઈએ. રાત્રે સૂતી વખતે ડીમ લાઇટ, બાથરૂમની અને પૅસેજની લાઇટો ચાલુ રાખવી જોઈએ. પ્લમ્બર, સુતાર, ઇલેક્ટિÿશ્યન બોલાવતાં પહેલાં તેની પૂરતી તપાસ કરવી જોઈએ. ઘરની અંદરની મૂલ્યવાન વસ્તુઓ, પૈસાનું નોકરની સામે પ્રદર્શન ન કરવું જોઈએ તેમ જ આવી વસ્તુઓની મૂકવાની જગ્યાની નોકરને જાણકારી ન થાય તેના પર ધ્યાન રાખવું જોઈએ. પોલીસ-સ્ટેશનમાં તેમની નોંધણી થઈ ગયા પછી બહાર જતાં-આવતા પોલીસ-સ્ટેશન દ્વારા આપવામાં આવેલા ઓળખપત્રને સાથે રાખવું જરૂરી છે. મહિલાઓએ રસ્તા પર ચાલતી વખતે તેમના ગળામાંથી મોટરસાઇકલ પર આવીને કોઈ સોનાની ચેઇન કે મંગળસૂત્ર ખેંચી ન જાય એ માટે ફૂટપાથ પર ચાલવું જોઈએ.

આવી અનેક માર્ગદર્શિકા સુરેશ નર્મિલે હાજર રહેલા ૫૦૦થી વધુ સિનિયર સિટિઝન્સને આપ્યા બાદ ઘરના નોકરથી લઈને ડ્રાઇવરની બધી જ માહિતી ભેગી કરવા માટે પોલીસ-તરફથી ફૉર્મ આપવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં, દક્ષા દફતરીની હત્યાની મહિલા આરોપીને પકડવામાં પોલીસને કેમ મુશ્કેલી પડી રહી છે, એની જાણકારી પણ આપવામાં આવી હતી.

સુરેશ નર્મિલની માર્ગદર્શિકા પૂરી થયા બાદ ત્યાં હાજર રહેલી જનમેદનીએ પોલીસનો ઊધડો લેવાનો શરૂ કયોર્ હતો. જેમાં મુખ્ય મુદ્દો હતો કે પોલીસ-સ્ટેશનમાં સિનિયર સિટિઝન્સ કે મહિલાઓ કોઈ ફરિયાદ કરવા જાય તો તેને પોલીસ સ્ટાફ તરફથી રિસ્પેક્ટ આપવામાં નથી આવતું અને તેમની ઉંમરનો લિયાઝ કર્યા વગર તેમનો બેસાડી રાખીને સમય વેડફવામાં આવે છે.

મહિલાઓએ ફરિયાદ કરી હતી કે ‘ચેઇન-મોબાઇલ સ્નૅચિંગ અને અન્ય નાની-મોટી ચોરીની ફરિયાદ કરવા જઈએ ત્યારે પોલીસ-ફરિયાદીને પહેલાં તો ફરિયાદ નહીં કરો ખોટાં પોલીસ-સ્ટેશનના અને કોર્ટનાં ચક્કર કાપવાં પડશેની સુફિયાણી સલાહ આપવા લાગે છે અને સ્પષ્ટ કહી દે છે કે ફરિયાદ નોંધાવી લો પણ એ વસ્તુઓ મળશે નહીં.’

બિલ્ડિંગમાં સિક્યૉરિટી રાખવાની વાત સામે પોલીસની ઝાટકણી કરતાં એક મહિલાએ કહ્યું હતું કે ‘સવાર-સાંજ ફરવા જતી કે મંદિરે જતી સિનિયર સિટિઝન મહિલાઓની રસ્તામાંથી ચેઇન ખેંચાય છે એ સમયે શું એ મહિલાઓએ તેમની સાથે સિક્યૉરિટી લઈ જવી જોઈએ? કે આ મહિલાઓની સિક્યૉરિટીનું કામ પોલીસનું છે? શા માટે પોલીસ એ લોકાની સુરક્ષા કરવામાં ફેલ છે? નાની વયની મહિલાઓ ઇમિટેશન જ્વેલરી પહેરીને નીકળે તો ફૅશનમાં ચાલી જાય પણ સિનિયર સિટિઝન મહિલાઓ સોનાનાં ઘરેણાં ન પહેરે તો કેમ ચાલે?’

પોલીસે સોસાયટીના વૉચમૅનની પૂરતી તપાસ કરી તેમને રાખવા જોઈએ એની સામે એક સિનિયર સિટિઝને કહ્યું હતું કે ‘પોલીસે ક્યારેય તેમની ફરજ સમજી સોસાયટીઓની વિઝિટ કરી ત્યાંના વૉચમૅનની જાણકારી મેળવવાની કોશિશ કરી છે? અમારી ઓછી સમજણ હોય પણ પોલીસની તો અમને સુરક્ષા આપવાની ફરજ છે તો એ પણ એમાં ઊણી કેમ ઊતરે છે?’

મહિલાઓએ મોટરબાઇક સવારો ચેઇન ખેંચી જાય એ માટે ફૂટપાથ પર ચાલવું જોઈએ એવી સલાહનો જવાબ આપતાં એક સિનિયર સિટિઝને કહ્યું હતું કે ‘મુંબઈમાં ફૂટપાથ છે ખરી? અમને સલાહ આપનાર પોલીસે આ બાબતની જાણ સુધરાઈને કરી પહેલાં તો ફૂટપાથો ઊભી કરવી જોઈએ.’