મહાવીર નગરની આ સોસાયટીમાં વીકઍન્ડમાં પડશે ફોર-સિક્સની બૂમો!

09 December, 2022 02:54 PM IST  |  Mumbai | Karan Negandhi

મેચ માટે સોસાયટીના ગ્રાઉન્ડમાં પીચ પણ તૈયાર કરવામાં આવી છે

તસવીર સૌજન્ય: નીરજ મારફતિયા

કાંદિવલી વેસ્ટ (Kandivali)ના મહાવીર નગર (Mahavir Nagar) વિસ્તારની પંચશીલ ગાર્ડન કૉ-ઑપરેટિવ સોસાયટી દ્વારા ‘પંચશીલ ચેમ્પિયનશીપ લીગ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇન્ટ્રા-સોસાયટી ટુર્નામેન્ટ ૧૦ અને ૧૧ ડિસેમ્બરના રોજ રમાશે. ટુર્નામેન્ટને બાળકો, મહિલાઓ અને પુરુષો એમ ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. સોસાયટીના રહેવાસીઓ આ ટુર્નામેન્ટ માટે ખૂબ જ ઉત્સાહિત છે.

ટુર્નામેન્ટના પહેલા દિવસે (૧૦ ડિસેમ્બર) સવારે ૭.૦૦ વાગ્યાથી પહેલાં બાળકોની પાંચ ટીમો એકબીજા સાથે મુકાબલો કરશે. તો બપોરે ૨.૦૦ વાગ્યથી મહિલાઓની ૬ ટીમો એકબીજાનો સામનો કરશે. ટુર્નામેન્ટના બીજા દિવસે (૧૧ ડિસેમ્બરે) પુરુષોની ૧૦ ટીમો ક્રિકેટના મેદાનમાં એકબીજાને ટક્કર આપશે. ટુર્નામેન્ટ સોસાયટીના ગ્રાઉન્ડમાં જ યોજાશે, જ્યાં હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

મેચ માટે સોસાયટીના ગ્રાઉન્ડમાં પીચ પણ તૈયાર કરવામાં આવી છે. સાથે જ ટર્ફ બનાવી જરૂરી લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખેલાડીઓ માટે ચા-પાણીથી લઈને જમવા સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. ટુર્નામેન્ટમાં આકર્ષક ઇનામો પણ રાખવામાં આવ્યા છે. જીતનાર ટીમ અને રનરઅપ ટીમ સહિતના ઇનામો ટુર્નામેન્ટ બાદ જાહેર કરવામાં આવશે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરતાં આયોજક સમિતિના વડા નીરજ મારફતિયા કહે છે કે “વર્ષમાં બે વાર અમે આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. વર્ષ ૨૦૦૫થી આ રીતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં બિલ્ડિંગમાં રહેતા લોકો ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લે છે. જોકે, કોરોના કાળમાં બ્રેક પડી ગયો હતો, પરંતુ હવે ફરી એ જ જોશ સાથે અમે પંચશીલ ચેમ્પિયનશીપ લીગ ફરી શરૂ કરી છે.”

આ પણ વાંચો: મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ વકર્યો: કોલ્હાપુરમાં આજથી કલમ ૧૪૪ લાગુ

તેઓ ઉમેરે છે કે “આ વર્ષે અમે ડબલ ઉત્સાહ સાથે આ ટુર્નામેન્ટને મોટા પાયે કરવાનો પ્રયાસ કર્યો છે. અમે પ્રોફેશનલી અમ્પાયર અને કૉમેન્ટેટર પણ બોલાવ્યા છે. અમારી પાસે તૈયારી માટે આ વખતે ખૂબ જ ઓછો સમય હતો. માત્ર એક મહિનામાં અમે આ આખી ટુર્નામેન્ટ ઊભી કરી છે.”

mumbai mumbai news kandivli karan negandhi