મુંબઈ: MBA CETની પરીક્ષામાં ટીચર-સ્ટુડન્ટની જોડી પ્રથમ દસ ક્રમાંકમાં

01 April, 2019 12:34 PM IST  |  મુંબઈ | પલ્લવી સ્માર્ત

મુંબઈ: MBA CETની પરીક્ષામાં ટીચર-સ્ટુડન્ટની જોડી પ્રથમ દસ ક્રમાંકમાં

ટીચર પેટ્રિક ડિસોઝા અને સ્ટુડન્ટ નિખિલ શેટ્ટી

MBA CETનાં પરિણામો જાહેર થઈ ગયાં છે. પરીક્ષા આપનારા ટીચર અને સ્ટુડન્ટની જોડી ૯૯.૯૯ ટકા સાથે મુંબઈના ટોચના ૧૦માં સ્થાન પામી છે. ૪૧ વર્ષની વયના ટીચર પેટ્રિક ડિસોઝા ૧૬૪ ગુણાંક સાથે પ્રથમ ક્રમે આવ્યા છે, જ્યારે સ્ટુડન્ટ નિખિલ શેટ્ટી ૧૫૬ ગુણાંક સાથે નવમા ક્રમે રહ્યો છે. પેટ્રિક પ્રૅક્ટિસ કાયમ રાખવા તથા અભ્યાસના નવા ટ્રેન્ડ અને પૅટર્નની જાણકારી મેળવવા તેમ જ પોતાના સ્ટુડન્ટ્સને એ મુજબની તાલીમ આપવા દર વર્ષે MBA CETની પરીક્ષા આપે છે, જ્યારે MBAની કૉલેજમાં ઍડ્મિશન મેળવવા માગતા નિખિલને ત્રીજા પ્રયાસે સફળતા મળી છે.

મહારાષ્ટ્રમાં આવેલી બિઝનેસ સ્કૂલના મૅનેજમેન્ટ ર્કોસમાં પ્રવેશ મેળવવાની યોગ્યતા નક્કી કરતી MBA CETની પરીક્ષા મહારાષ્ટ્રના ઈ-સીઈટી સેલ દ્વારા લેવામાં આવે છે. નવમી અને દસમી માર્ચે લેવામાં આવેલી ઑનલાઇન ટેસ્ટમાં લગભગ ૧.૦૨ લાખ સ્ટુડન્ટ્સ બેઠા હતા. એમાંથી પેટ્રિકની સાથે જ ૧૬૪ ગુણાંક મેળવીને પ્રાપ્તિ શાનબાગ પણ પ્રથમ ક્રમાંકે ઉત્ર્તીણ થઈ છે.

છેલ્લાં ૧૪ વર્ષથી MBA CETની પરીક્ષામાં બેસતા અને ઉત્ર્તીણ થતા પેટ્રિકે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘એક ટીચર તરીકે મારે શિક્ષણનાં નવાં પાસાંઓથી માહિતગાર રહેવું આવશ્યક છે એટલે હું દર વર્ષે પરીક્ષા આપું છું. વળી મારા મોટા ભાગના સ્ટુડન્ટ્સ મુંબઈના છે અને તેઓ MBAમાં પ્રવેશ મેળવવા માટે CETની પરીક્ષા આપતા હોય છે.’

આ પણ વાંચો : મુંબઈ: સંજય બર્વે દરોડાસત્રમાં બધા પોલીસ જવાનોની ઊંઘ હરામ કરે છે

ત્રીજા પ્રયાસમાં પોતાને મળેલી સફળતાથી થયેલો આનંદ ‘મિડ-ડે’ સાથે શૅર કરતાં નિખિલે કહ્યું હતું કે ‘હું મારી ઉજ્જવળ કારકર્દિી બનાવવા માટે સારી ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવા માગું છું. એટલે જ ૨૦૧૬માં ગ્રૅજ્યુએટ થયા પછી હું CET અને CATની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. નિખિલ જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝમાં ઍડ્મિશન લેવા માગે છે.’

mumbai news