મુંબઈ: ઇન્ટર્નલ માર્ક્સના મામલે ગૂંચવાડો યથાવત

14 June, 2019 11:53 AM IST  |  | પલ્લવી સ્માર્ત

મુંબઈ: ઇન્ટર્નલ માર્ક્સના મામલે ગૂંચવાડો યથાવત

પ્રતીકાત્મક તસવીર

ધોરણ ૧૦મા ઇન્ટર્નલ અસેસમેન્ટના મહત્વ અંગેની અનિãતતાને કારણે ધોરણ ૧૧ની ઍડ્મિશનની પ્રક્રિયા વિલંબમાં મુકાતાં શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપેલી અરાજકતા રાજ્યમાં એક પરંપરા બની ગઈ હોય એમ જણાય છે.

બોર્ડના વિદ્યાર્થીઓના વાલીઓએ આઠમી જૂનના રોજ જાહેર થયેલા એસએસસીનાં નબળાં પરિણામો માટે ઇન્ટર્નલ પરીક્ષાના અભાવને જવાબદાર ઠેરવી છે. આ અંગે બળાપો ઠાલવતાં વાલીઓએ જણાવ્યું હતું કે સીબીએસઇ અને આઇસીએસઇ વિદ્યાર્થીઓની તુલનામાં તેમનાં બાળકો ધોરણ-૧૧ના પ્રવેશ દરમ્યાન પાછળ રહી જશે.

એક તરફ રાજ્યના શિક્ષણપ્રધાન વિનોદ તાવડેએ ગઈ કાલે ફરી જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્રમાં ધોરણ ૧૧ના પ્રવેશ માટે તેમના વિદ્યાર્થીઓના ઇન્ટર્નલ અસેસમેન્ટના માર્ક્સને બાકાત રાખવા માટે સીબીએસઈ અને આઇસીએસઈ બોર્ડ અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે ત્યારે બીજી તરફ ઇન્ડિયા વાઇડ પેરેન્ટ્સ અસોસિએશને શિક્ષણપ્રધાનના સૂચન વિરુદ્ધ બોર્ડ ઑથોરિટી MHRD તથા ચાઇલ્ડ રાઇટ્સ કમિશનને લેખિતમાં અરજી કરી છે.

વાલીઓનું કહેવું છે કે ‘આ પગલાથી સ્ટેટ બોર્ડ હેઠળના ન હોય એવા વિદ્યાર્થીઓને અન્યાય થશે. આ દરમ્યાન, તમામ વિષયો માટે મૌખિક પરીક્ષા કે ઇન્ટર્નલ અસેસમેન્ટની પ્રક્રિયાને આ વર્ષથી સ્ટેટ બોર્ડના ધોરણ-૧૦ (એસએસસી)માં ફરીથી શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. લાખો વિદ્યાર્થીઓ ધોરણ ૧૧ની પ્રવેશપ્રક્રિયા માટે રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ પ્રક્રિયા ઇન્ટર્નલ અસેસમેન્ટ અંગેની ચર્ચામાં અટવાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે એસએસસીનું પરિણામ ઘણું નબળું જણાતાં દોષનો સમગ્ર ટોપલો આ વર્ષે એસએસસીમાં ઇન્ટર્નલ અસેસમેન્ટ રદ કરવાના નિર્ણય પર ઢોળવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : મુંબઈ: કિંગ્સ સર્કલની સર્ક્યુલર ફ્રી બેસ્ટ બસ-સર્વિસ શરૂ

ઇન્ટર્નલ માર્ક્સની પદ્ધતિ ફરી લાગુ કરવા ફડણવીસ સંમત : આદિત્ય ઠાકરે

શિવસેનાની યુવા પાંખના નેતા આદિત્ય ઠાકરેએ ગઈ કાલે જણાવ્યું હતું કે રાજ્યની સ્કૂલોમાં દસમા ધોરણ-એસએસસીમાં ઇન્ટર્નલ અસેસમેન્ટ માર્ક્સની પદ્ધતિ ફરી લાગુ કરવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સંમત થયા છે. ૨૦૦૮થી ૨૦૧૮ સુધી રાજ્યની સ્કૂલોમાં દસમા ધોરણમાં ૨૦ માર્ક્સની ઇન્ટર્નલ અસેસમેન્ટ-ઇવેલ્યુએશન સિસ્ટમ અમલમાં હતી. એ સિસ્ટમ આ વર્ષથી બિનઅમલી કરવામાં આવી હતી.

mumbai