રાણેબંધુઓની યુદ્ધભૂમિ બનેલાં માલવણ અને કણકવલીમાં શિંદેસેનાએ બાજી મારી

22 December, 2025 11:19 AM IST  |  konkan | Gujarati Mid-day Correspondent

માલવણ નગરપરિષદની ચૂંટણીમાં શિંદેજૂથની શિવસેનાએ ૨૦માંથી ૧૦ બેઠકો પર જીત મેળવી હતી

રાણેબંધુ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પદાધિકારીના ઘરે સ્ટિંગ-ઑપરેશન, મતદારોમાં કૅશ-ડિસ્ટ્રિબ્યુશનનો આરોપ, ઉમેદવારનાં ખોટાં જાતિ-પ્રમાણપત્રના આક્ષેપ વગેરે સહિત અનેક વિવાદોને લીધે સિંધુદુર્ગની સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓ ચર્ચાનો વિષય રહી હતી. ખાસ કરીને અહીં રાણેબંધુઓ એટલે કે શિંદેસેનાના નીલેશ રાણે અને BJPના નિતેશ રાણેએ સામસામે મોરચો માંડ્યો હતો એટલે અહીંનો મુકાબલો વધુ રોચક બન્યો હતો. આ ચૂંટણીઓ રાણેબંધુઓ માટે પણ પ્રતિષ્ઠાનો જંગ બની હતી જેમાં આખરે એકનાથ શિંદેની શિંદેસેનાએ બાજી મારી હતી.

માલવણ નગરપરિષદની ચૂંટણીમાં શિંદેજૂથની શિવસેનાએ ૨૦માંથી ૧૦ બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે BJPના ભાગે પાંચ બેઠકો આવી હતી. શિવસેના (UBT)ને પણ પાંચ બેઠકો મળી હતી. કણકવલી નગરપંચાયતની ચૂંટણીમાં પણ નીલેશ રાણેનું સમર્થન ધરાવતા ઉમેદવારનો વિજય થયો હતો. કણકવલી શહેર વિકાસ આઘાડીના નગરાધ્યક્ષના ઉમેદવાર સંદેશ પારકરનો વિજય થયો હતો, તેમને ૧૪૫ મતોના એકદમ પાતળા માર્જિનથી જીત મળી હતી. નીલેશ રાણેએ આઘાડીને ટેકો આપ્યો હોવાથી BJPને મોટો ઝટકો લાગ્યો હતો. કણકવલી નગરપંચાયતમાં ૧૭માંથી BJPના ૯ અને આઘાડીના ૮ નગરસેવકો ચૂંટાઈ આવ્યા હતા. શિંદેસેના આ ચૂંટણી વિધાનસભ્ય નીલેશ રાણેના નેતૃત્વમાં લડી હતી તો તેમના જ ભાઈ નિતેશ રાણેએ BJP તરફથી મોરચો સંભાળ્યો હતો.

એક જ પરિવારના ત્રણ સભ્યો જીત્યા સોલાપુરમાં

સોલાપુર જિલ્લાના કરમાળા નગરપરિષદના ઇલેક્શનમાં એક જ પરિવારનાં ભાઈ, બહેન અને સાળાએ જીત મેળવીને ભારે ચર્ચા જગાવી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)નાં ઉમેદવારો લતા ઘોલપ, સચિન ઘોલપ અને નિર્મલા ગાયકવાડ જીત્યાં હતાં. જોકે કરમાળામાં અધ્યક્ષપદ માટે BJP અને શિવસેનાના ઉમેદવારોનો પરાજય થયો હતો અને લોકલ ગઠબંધન કરમાળા શહેર વિકાસ આઘાડીનાં ઉમેદવાર મોહિની સાવંત વિજયી બન્યાં હતાં.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra political news eknath shinde shiv sena bharatiya janata party konkan uddhav thackeray