27 June, 2025 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેહરજી ડૅમ
પાલઘર અને આસપાસના વિસ્તારો માટે મહત્ત્વના ગણાતા દેહરજી ડૅમ પ્રોજેક્ટમાં માઇલસ્ટોન ગણાય એમ પાંચ ટકા પાણીની આવક થઈ છે. આ ડૅમનું બાંધકામ હજી ચાલુ છે ત્યારે ૯૦ મીટરના રિઝર્વોયર લેવલથી ડૅમનું પાણી ઓવરફ્લો થતાં સ્થાનિક લોકો સાથે મુખ્ય પ્રધાન અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના અધિકારીઓએ પણ આનંદ વ્યક્ત કર્યો હતો.
દેહરજી ડૅમ માટે MMRDAએ ૧૬૮૯.૪૨ કરોડ રૂપિયા ફન્ડ પૂરું પાડ્યું છે. MMRDAના ચૅરમૅન અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોશ્યલ મીડિયા પર સંદેશ પાઠવ્યો હતો કે આ માઇલસ્ટોન માત્ર ટેક્નિકલ સફળતા નથી, પરંતુ મહારાષ્ટ્રના વૉટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટેના અમારા લાંબા ગાળાના મિશનની સફળતા પણ છે.
દેહરજી ડૅમનું ૮૦ ટકા કામ પૂરું થયું છે. ડૅમનું કામ પૂરું થયા બાદ કુલ ૨૫૫ મિલ્યન લીટર પર ડે (MLD) પીવાનું પાણી મળી રહેશે. એમાંથી વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનને ૧૯૦ MLD, CIDCO પાલઘર વિસ્તારમાં ૫૦ MLD, ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫ MLD પાણી ઉપલબ્ધ થશે.