07 July, 2026 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાલઘરમાં NDRF દ્વારા હાથ ધરવામાં આવેલું રેસ્ક્યુ ઑપરેશન.
ધોધમાર વરસાદના આ સ્પેલમાં સૌથી વધારે અસર પાલઘર જિલ્લામાં જોવા મળી હતી. ગઈ કાલે સાંજે ૫.૩૦ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં પાલઘર સિટીમાં ૫૩૦ મિલીમીટર એટલે કે ૨૦.૮૬ ઇંચ વરસાદ નોંધાયો હતો. પાલઘરના અન્ય તાલુકાઓમાં ગઈ કાલે સવારે ૧૦ વાગ્યા સુધીમાં વસઈ તાલુકામાં ૨૦૩ મિલીમીટર, વાડા તાલુકામાં ૧૮૦ મિલીમીટર, પાલઘર તાલુકામાં ૧૬૫ મિલીમીટર અને દહાણુ તાલુકામાં ૧૦૩ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
પાલઘર સિટી સહિત સફાળે અને કેળવે ઈસ્ટ-વેસ્ટમાં મોટા પ્રમાણમાં પાણી ભરાતાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. અનેક જગ્યાએ ઘરોમાં અને દુકાનોમાં પાંચથી ૬ ફુટ પાણી ભરાઈ ગયાં હતાં જેને કારણે લોકોને બહુ જ નુકસાન થયું હતું. ભારે વરસાદને લીધે વૈતરણા, સૂર્યા અને હાત નદીના સ્તરમાં ઉલ્લેખનીય વધારો થયો હતો. ઝાડ પડવાને કારણે અનેક ઘરોને નુકસાન થયું હતું.
એક ફ્રિજ માટે જાનનું જોખમ
નદીનું પાણી લોકોના ઘરમાં ફેલાયું હોવાથી ઘણાની ઘરવખરી પૂરમાં તણાવા માંડી હતી. નદીમાં એક ફ્રિજ તણાતું જોઈને એ મેળવવાની લાલચમાં એક યુવાને ધસમસતી નદીમાં જીવનું જોખમ લઈને ઝંપલાવ્યું હતું. જોકે ત્યાર બાદ તે બહાર આવ્યો ત્યારે લોકોએ તેને ટપાર્યો હતો કે આવું ગાંડું જોખમ ન લેવાય. પ્રશાસને પણ લોકોને આવું સાહસ કરવાથી દૂર રહેવા જણાવ્યું છે. જે લોકોનાં ઘર પૂરના પાણીમાં વહી ગયાં છે તેમનાં પંચનામાં કરીને સરકારી સહાય આપવાની પ્રોસીજર ચાલુ કરવામાં આવી છે.
ઝાંઝરોળી બંધની દીવાલ તૂટી, જોખમ વધ્યું
કેળવે રોડ ઈસ્ટમાં આવેલા ઝાંઝરોળી બંધની સેફ્ટી વૉલનો કેટલોક ભાગ તૂટી પડતાં પરિસ્થિતિ જોખમી બની ગઈ હતી. આ બંધમાં હાલ ૩.૨૪૨ મિલ્યન લીટર પાણી હતું. જોકે ત્યાર બાદ એમાંથી ૨.૯૫૧ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. એ વખતે કોઈ હોનારત ન થાય અને થાય તો એને પહોંચી વળવા ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમ તહેનાત રાખવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારના લોકોને અલર્ટ કરવામાં આવ્યા હતા અને ૨૫૦ જેટલા પરિવારોનું સ્થળાંતર કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું.
તાનસાનાં પાણી ગામોમાં ઘૂસ્યાં
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ખાનીવડે પાસેથી પસાર થતી તાનસા નદીએ એનું જોખમી સ્તર વટાવી દીધું હતું અને એનાં પાણી આજુબાજુનાં ગામોમાં ફેલાવા માંડ્યાં હતાં અને લોકોના ઘરમાં તથા ખેતરમાં ઘૂસવા માંડ્યાં હતાં.
હાઇવે પર પાણી ફેલાયાં
પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર વરઈ ગામ પાસે પાણી હાઇવે પર આવી જતાં નદી જેવી પરિસ્થિતિ થઈ હતી. જોકે એમ છતાં ટ્રક અને કન્ટેનર જેવાં હેવી વાહનોના ડ્રાઇવરો એમાંથી પણ ધીમે-ધીમે ટ્રક આગળ લઈ જતા દેખાયા હતા.
વસઈ તાલુકાના પાચરુખા ગામના ડુંગર વિસ્તારમાંથી જોરદાર પાણીનો પ્રવાહ આવતાં નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પાણીના ફોર્સને લીધે નદી પરના બ્રિજનો કઠેડો અને ત્યાંની સેફ્ટી વૉલનો કેટલોક ભાગ તૂટી પડ્યા હતા.
ભારે વરસાદના કારણે મુંબઈ-ગોવા હાઇવે પર ગઈ કાલે કશેડી ઘાટ સહિત કુલ ૮ જગ્યાએ ભેખડ ધસી પડી હતી જેમાં રત્નાગિરિ સેક્શનમાં એક પરિવાર પણ ફસાયો હતો. નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમે કારમાં ફસાયેલા આ પરિવારને બચાવ્યો હતો. ભારે વરસાદ અને હાઇવેની આસપાસનાં ગામોની નદીઓ બેકાંઠે થતાં મુંબઈ-ગોવા હાઇવે પર પાણી પણ ભરાયાં હતાં જેને કારણે અનેક ગાડીઓ પાણીમાં ફસાઈ હતી. ૧૨ કલાક સુધી આખો હાઇવે જૅમ રહ્યો હતો. સતત બીજે દિવસે મુંબઈ-ગોવાના મુસાફરોને હાલાકી થઈ હતી. સુકેલા ઘાટ અને નોગાઠાને નજીક પાણી ભરાઈ જતાં રવિવારે હાઇવે પર ત્રણ ફુટ જેટલાં પાણી ભરાઈ ગયાં હોવાથી ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. અેના કારણે ૮-૧૦ કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. પાણી ઓસર્યા પછી પણ વરસાદ સતત પડી રહ્યો હોવાથી ટ્રાફિકની ગતિ ધીમી રહી હતી.