30 May, 2025 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાલઘર જિલ્લામાં દરિયામાં ડૂબતા લોકોને બચાવી શકાય એ માટે ડિસ્ટ્રિક્ટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટને ૧૦ રોબોટિક બોટ ફાળવવામાં આવી છે જે મહત્ત્વના દરિયાકિનારાઓ પર તહેનાત કરવામાં આવશે. પાલઘર ડિસ્ટ્રિક્ટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના વડા વિવેકાનંદ કદમે કહ્યું હતું કે ‘પહેલાં દરિયામાં કોઈ ડૂબી રહ્યું હોય તો અમારા કર્મચારીઓ તેને બચાવવા દરિયામાં ઝંપલાવી તેના સુધી તરીને પહોંચી તેને બચાવતા હતા. હવે આ રોબોટિક બોટ લોકોના જીવ બચાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.’
છેલ્લા એક અઠવાડિયાથી કેળવે બીચ પર ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના કર્મચારીઓને એ બોટ કઈ રાતે ઑપરેટ કરવી એની પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. આ દસ રોબોટિક બોટમાંથી ૬ મરીન પોલીસ-સ્ટેશનોને ફાળવવામાં આવી છે, જ્યારે ૩ બોટ અલગ-અલગ સુધરાઈઓને અને એક બોટ નગરપંચાયતને ફાળવવામાં આવી છે.