પાલઘરમાં મેચ પર સટ્ટો રમતા ૧૯ પર કાર્યવાહી

30 October, 2020 12:20 PM IST  |  Palghar | Gujarati Mid-day Correspondent

પાલઘરમાં મેચ પર સટ્ટો રમતા ૧૯ પર કાર્યવાહી

પ્રતિકાત્મક તસવીર

પાલઘર જિલ્લામાં આવેલાં મનોર પોલીસ સ્ટેશન અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટી-20 ક્રિકેટ મેચ પર જુગાર રમવાના આરોપમાં ૧૯ જણ પર કાર્યવાહી કરવામાં આવી છે અને એમાંથી બે જણની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસે આ બધા સામે કેસ નોંધીને તપાસ હાથ ધરી.

પાલઘર પોલીસ પ્રવક્તા દ્વારા મળેલી જાણકારી અનુસાર ‘મનોર પોલીસ સ્ટેશન અંતર્ગત મુંબઈ-અમદાવાદ હાઈવે ક્રમાંક-૮ પર મસ્તાન નાકામાં પ્રાઈડ ઈન્ડિયા શાન કૉમ્પ્લેક્સમાં રૂમ નંબર-૧૦૬ માં અમુક લોકો જુગાર રમી રહ્યા હોવાની ગુપ્ત માહિતી પોલીસ કમિશનરેટ દત્તાત્રેય શિંદેને મળી હતી. માહિતીના આધારે પોલીસ કમિશનરેટના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ દ્વારા છાપો મારીને કાર્યવાહી કરવામાં આવી હતી. છાપો મારીને પોલીસે આરોપી દીપક ઠક્કર, કમલેશ ઠક્કર, અમર, હરેશ, પ્રકાશ, અરુણ દુબે, પ્રશાંત, ધમા, હર્ષ, આશિષ, મહેશ, મયુર બંગાલીયા, ઈબ્રાહિમ, અભિષેક મોબાઈલ ફોનમાં એક અપ્લીકેશન દ્વારા વોટ્સ-અપ ચેટિંગની સહાયતાથી ટી.વી.ના એક ચૅનલ પર ચાલી રહેલાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્લી કેપીટલ લાઈવ ટી-20 ક્રિકેટ મૅચ પર ક્રિકેટ બેટિંગ પર જુગાર રમતા જોવા મળ્યાં હતા. આરોપીઓ પર મનોર પોલીસ સ્ટેશનમાં કલમ ૪ અને ૫ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે કે ૨૮ ઑક્ટોબરના બે આરોપી દીપક ઠક્કર અને કમલેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.’

નાલાસોપારામાં પકડાયું બનાવટી કોલ સેન્ટર

મીરા ભાઈંદર વસાર વિરાર કમિશનરેટ (એમબીવીવી) પોલીસ ઈન્સ્પેક્ટર જીતેન્દ્ર વણકોટીની આગેવાની હેઠળ નાલાસોપારામાં ભાડાના ફ્લેટમાં એક બનાવટી કોલ સેન્ટરમાં છાપો મારીને ૧૦ આરોપી જેમાં ૩ મહિલાઓ અને સાત પુરુષોની ધરપકડ કરવામાં આવી છે.  જેઓ થોડા મહિનાથી અમેરિકન નાગરિકોની છેતરપીડિ કરી રહ્યા હતા. ન્યુ જર્સી, કેલિફોર્નિયા, વોશિંગ્ટન અને યુ.એસ.ના અન્ય શહેરોના નાગરિકોને નિશાનો બનાવામાં આવી રહ્યા હોવાનું ટીપઓફ મેળવનારા પીએસઆઈ સુરેન્દ્ર શિવાડેએ જણાવ્યું હતું. આ કૌભાંડ કેટલાંક કરોડમાં ચાલે છે કારણકે આ ગેંગ ઘણા મહિનાઓથી કાર્યરત હતી. નાલાસોપારા-વેસ્ટના સુંદરમ પ્લાઝાના પહેલા માળાના ફ્લૅટમાં આ સેન્ટર ચલાવામાં આવી રહ્યું હતું. આ કૌભાંડમાં આરોપીનું ગુનાહિત સંબંધ ધરાવતા નાણાં ટ્રાન્સફર કરનારી આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંબંધ છે.

mumbai mumbai news palghar