તડીપાર પાકિસ્તાની બેધડક ફરે છે રેડ લાઇટવાળી VIP કારમાં

10 October, 2012 05:38 AM IST  | 

તડીપાર પાકિસ્તાની બેધડક ફરે છે રેડ લાઇટવાળી VIP કારમાં



સમર્થ મોરે

મુંબઈ, તા. ૧૦

૨૦૦૭માં પાકિસ્તાનમાં તડીપાર કરવામાં આવ્યો હોવા છતાં આ પાકિસ્તાની નાગરિક ભારતમાં ભારે ઠાઠમાઠમાં રહે છે એટલું જ નહીં, વીઆઇપી કારમાં બેસીને શહેરમાં ફરે છે. પોતાની કારમાં લાલ બત્તી રાખીને ફરતો હોવાની માહિતી મળતાં જ બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે સઈદ વસીમ ઉર રહેમાન શાહની કારની તમામ માહિતી રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશની અવગણના કરી અચાનક ભારતમાં આવેલો સઈદ શાહ શંકાના દાયરામાં છે.

સઈદ શાહની કારની નંબર-પ્લેટના લખાણ મુજબ એ કાર વડા પ્રધાનના કાર્યાલયની પાછળ આવેલા ભારત સરકાર દ્વારા કથિત સ્થાપવામાં આવેલા એકતા ભવન સાથે સંકળાયેલી હતી. ભાંડુપમાં આવેલી વકફ સાથે તેને જમીનના મામલે મોટો વિવાદ થયો હતો.

ભાંડુપમાં કાયદો તથા વ્યવસ્થાની સમસ્યા પેદા કરતો હોવાની ત્યાંના રહેવાસીઓએ ચેતવણી આપી હોવા છતાં પાકિસ્તાની નાગરિક સઈદ શાહ હોમ મિનિસ્ટર આર. આર. પાટીલ સાથે વાતચીત કરતો કૅમેરામાં ઝડપાયો હતો. તે ભારતમાં કઈ રીતે વસવાટ કરી રહ્યો છે એ બાબતે પોલીસ તથા મિનિસ્ટ્રી ઑફ એક્સ્ટર્નલ અફેર્સને કોર્ટે ઠપકો પણ આપ્યો હતો.

પોલીસને જસ્ટિસ એ. એસ. ઓક તથા એસ. એસ. જાદવની ડિવિઝન બેન્ચે તાતા સફારી કારના રજિસ્ટ્રેશન પેપરની વિગતો આપવા જણાવ્યું છે. હાઈ કોર્ટના જજને આપવામાં આવેલી કાર પણ જો એના પર લગાવવામાં આવેલી લાલ બત્તીને કારણે તપાસવામાં

આવતી હોય તો એક પાકિસ્તાની કઈ રીતે આવી લાલ બત્તીવાળી કારમાં ફરી શકે એ પણ કોર્ટે નોંધ્યું હતું. ભૂતકાળમાં સઈદ શાહે ભડકાવનારાં ભાષણો પણ કર્યા હોવાનું કોર્ટને વકીલ રાજીવ પાટીલ તથા અજિત કેન્જલે દ્વારા જણાવવામાં આવ્યું છે. અત્યારે તેની વિરુદ્ધ સાંગલી તથા મુંબઈમાં કેસો પેન્ડિંગ છે. સઈદ શાહ વિરુદ્ધના તમામ પેન્ડિંગ કેસો મામલે ઍફિડેવિટ કરવાનું પણ કોર્ટે જણાવ્યું છે.

કઈ રીતે ભારતમાં ઘૂસ્યો?

સઈદ શાહની હિલચાલ વિશે પોલીસે ઍફિડેવિટ રજૂ કરી હતી.  સીઆઇડીની સ્પેશ્યલ બ્રાન્ચ-એકના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર મંધારેની ઍફિડેવિટ પ્રમાણે ઇસ્લામાબાદના ઇન્ડિયન હાઈ કમિશને ૨૦૦૬ની ૨૨ નવેમ્બરે આપેલા વીઝાના આધારે સઈદ શાહ ભારત આવ્યો હતો. વીઝા ૨૦૦૭ની ૧૯ ફેબ્રુઆરી સુધી હતા. મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સ દ્વારા વીઝાને લંબાવીને ૨૦૦૭ની ૧૮ મે સુધીના કરવામાં આવ્યા હતા. ફરીથી એને રિન્યુઅલ માટે આપવામાં આવતાં એ રદ કરવામાં આવ્યા તેમ જ ૨૦૦૭ની ૧૯ મેએ તેને ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો.

ઍફિડેવિટ પરથી મળતી માહિતી મુજબ તે એક્સ-વીઝાના આધારે ૨૦૧૦ની ૧૮ ઑક્ટોબરે ફરી ભારતમાં આવ્યો. આ વીઝા એક મહિનાના સમયગાળાનો હતો જેની મુદત વારંવાર લંબાવવામાં આવતાં એ હવે ૨૦૧૨ની ૧૧ ડિસેમ્બર સુધી માન્ય હતા.