24 April, 2025 11:45 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
એકસાથે જીવ ગુમાવનારા મિત્રો કૌસ્તુભ ગણબોટે (ડાબે) અને સંતોષ જગદાળે.
પુણેના કર્વેનગરમાં રહેતા કૌસ્તુભ ગણબોટે અને સંતોષ જગદાળે જિગરજાન મિત્રો હતા. બન્ને દિવસમાં એક વખત ન મળે તો ચેન નહોતું પડતું. કૌસ્તુભ ગણબોટેની દુકાને સંતોષ જગદાળે દરરોજ અચૂક જાય. આઠ દિવસ પહેલાં કૌસ્તુભ ગણબોટેની ફરસાણની દુકાનમાં બન્ને ફ્રેન્ડ હતા ત્યારે તેમણે કાશ્મીર ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. કૌસ્તુભ ગણબોટે થોડા સમય પહેલાં જ દાદા બન્યા હતા એટલે તેમણે એક જવાબદારીમાંથી મુક્તિ મળી હોવાથી પહેલી વખત પુણેની બહાર ફરવા જવાનો વિચાર વ્યક્ત કર્યો હતો, જે તેમના મિત્ર સંતોષ જગદાળેએ વધાવી લીધો હતો. આથી બન્ને પરિવાર સાથે જમ્મુ ઍન્ડ કશ્મીરની ટૂર પર ગયા હતા.
કૌસ્તુભ ગણબોટેના પુણેમાં રહેતા મિત્ર સુનીલ મોરેએ કહ્યું હતું કે ‘પિતાનું અવસાન થવાથી કૌસ્તુભે નાનપણથી ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. દિવ્યાંગ બહેનની જવાબદારીની સાથે તેણે ખૂબ મહેનત કરીને ફરસાણના ધંધામાં સફળતા મેળવી હતી. તેની ઇચ્છા એક વખત ફરવા જવાની હતી એટલે તે પત્ની અને મિત્ર સંતોષ જગદાળેની ફૅમિલી સાથે કાશ્મીરની ટૂરમાં ગયો હતો. સંતોષ જગદાળે અને કૌસ્તુભ ગણબોટેની ગાઢ મિત્રતા હતી. તેણે તો શું બીજા કોઈએ સપનામાંય નહીં વિચાર્યું હોય કે બન્નેનાં આતંકવાદી હુમલામાં એકસાથે મૃત્યુ થશે.’
તંબુમાં છુપાયેલા પિતા અને કાકાને બહાર બોલાવીને ગોળી મારવામાં આવી
હુમલામાં જીવ ગુમાવનારા પુણેના બિઝનેસમૅન સંતોષ જગદાળેની પુત્રી આસાવરીએ કહ્યું...
આતંકવાદી હુમલામાં પુણેના બિનઝનેસમૅન સંતોષ જગદાળેનું આતંકવાદીએ ફાયરિંગ કરવાથી મૃત્યુ થયું હતું. એ સમયે તેમની પુત્રી આસાવરી પણ ઘટનાસ્થળે બીજા પાંચ-છ ટૂરિસ્ટ સાથે હાજર હતી. આસાવરીએ આ બનાવ વિશે કહ્યું હતું કે ‘અમે પહલગામ હતા ત્યારે થોડે દૂર ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. અમને લાગ્યું કે સિક્યૉરિટી ગાર્ડ અને આતંકવાદીઓ સામસામે ફાયરિંગ કરી રહ્યા છે એટલે ગોળીબારથી બચવા અમે બધા એક ટેન્ટની પાછળ છુપાઈ જઈને જમીન પર સૂઈ ગયા હતા. થોડી વારમાં આતંકવાદી ટેન્ટ પાસે આવ્યા હતા. તેમણે મારા પિતાને ટેન્ટની બહાર આવવાનું કહ્યું હતું. પિતા બહાર ગયા ત્યારે તેમને કલમા પઢવાનું કહેવામાં આવ્યું હતું. પિતા કલમા નહોતા પઢી શક્યા એટલે તેમને ગોળી મારી દેવામાં આવી હતી. એ જ સમયે મારા કાકાને પણ આતંકવાદીઓએ ગોળી મારી હતી. ફાયરિંગ કર્યા બાદ આતંકવાદીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તમે સપોર્ટ કર્યો છે એનાં પરિણામ ભોગવી રહ્યા હોવાનું કહ્યું હતું. પિતા અને કાકા પર ફાયરિંગ કર્યા બાદ આતંકવાદીઓ જતા રહ્યા હતા. ગંભીર હાલતમાં પિતા અને કાકાને એ પછી સારવાર માટે લઈ જવાયા હતા. એ પછી અમને કહેવામાં આવ્યું કે તમારા પપ્પા સંતોષ જગદાળેનું અવસાન થયું છે.’