પરમ પૂજ્ય આચાર્યા શ્રી ચંદનાજી નિર્વાણ પામ્યાં શુક્રવારે અંતિમ દર્શન અને અંત્યેષ્ટિ સંસ્કાર

23 April, 2026 08:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંતિમ સંસ્કાર ૨૪ એપ્રિલે સાંજે પાંચ વાગ્યે પુણેના વૈકુંઠ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે.

પરમ પૂજ્ય આચાર્યા શ્રી ચંદનાજી

પરમ પૂજ્ય આચાર્યા શ્રી ચંદનાજી જેમને પ્રેમથી ‘પૂજ્ય તાઈ મા’ તરીકે ઓળખવામાં આવે છે તેઓ ગઈ કાલે ૨૨ એપ્રિલે સવારે પુણેમાં શાંતિપૂર્ણ રીતે નિર્વાણ પામ્યાં હતાં. તેમનાં અંતિમ દર્શન ૨૪ એપ્રિલે સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી પુણેના સેનાપતિ બાપટ રોડસ્થિત વર્ધમાન પ્રતિષ્ઠાન ખાતે રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર ૨૪ એપ્રિલે સાંજે પાંચ વાગ્યે પુણેના વૈકુંઠ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે.

પુણે જિલ્લાના ચાસકમાન ગામે માતા પ્રેમકુંવર અને પિતા માણિકચંદ કટારિયાના ગૃહાંગણે ૨૬-૦૧-૧૯૩૭ના રોજ જન્મેલાં શકુંતલા ૩ ધોરણ સુધી અભ્યાસ કરીને ૧૪ વર્ષની ઉંમરે નાનાજીના કહેવાથી શ્રમણ સંઘનાં પૂ. સુમતિકુંવરજી મહાસતીજી પાસે જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરીને સાધ્વી ચંદનાજી બન્યાં હતાં. તેમણે ૧૨ વર્ષ મૌનની સાધના કરી હતી. ૧૯૬૮માં શ્રમણ સંઘથી મુક્ત બની ઉપાધ્યાય પૂ. અમરમુનિજી મ.સા.ની પરંપરામાં જોડાયા બાદ તેમને ‘આચાર્યા’ની પદવી આપવામાં આવી હતી. ​૧૯૭૩માં રાજગીર-બિહારમાં તેમણે વીરાયતન સંસ્થાની સ્થાપના કરી અને શિક્ષણ, સ્વાસ્થ્ય, માનવસેવામાં જોડાયાં હતાં. નેત્રરોગીઓની મફત સેવા, પાલિતાણામાં તીર્થંકર મહાવીર વિદ્યામંદિર વગેરેની સ્થાપના કરેલી. ૨૦૨૨માં ભારત સરકારે તેમને પદ્‍મશ્રી અવૉર્ડ અર્પણ કરેલો.

ધીરગુરુદેવની ગુણાંજલિ

આમ્બિવલી બિરાજિત પૂ. શ્રી ધીરગુરુદેવે સેવાસાધક આત્માને ગુણાંજલિ અર્પણ કરી હતી.

mumbai news mumbai pune jain community celebrity death gujarati community news