મુંબઈ: કટલરી દુકાનોમાંની આગ ભીષણ બનવાનું કારણ હતુ પૅક્ડ વેન્ટિલેશન

27 October, 2020 07:25 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુંબઈ: કટલરી દુકાનોમાંની આગ ભીષણ બનવાનું કારણ હતુ પૅક્ડ વેન્ટિલેશન

સાઉથ મુંબઈની અબ્દુલ રહેમાન સ્ટ્રીટ

સાઉથ મુંબઈની અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં આવેલી કટલરી-ઇમિટેશન જ્વેલરીની ૨૦૦થી વધારે દુકાનો પાંચમી ઑક્ટોબરે લાગેલી આગમાં ખાખ થઈ ગઈ હતી. દુકાનદારોએ દુકાનની અંદરના વેન્ટિલેશન પૅક કરી દેવાને લીધે આગ પ્રસરી હોવાનું ફાયરબ્રિગેડે તૈયાર કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે. દુકાનની અંદરનો ધુમાડો બહાર ન નીકળી શકતાં પાંચ દિવસ સુધી અંદર આગ ભભૂકતી રહી હતી, જેમાં કરોડો રૂપિયાનો સામાન બળીના ખાખ થઈ ગયો હતો.

મુંબઈ ફાયરબ્રિગેડના ડેપ્યુટી ફાયર ઑફિસર એચ. ડી. પરબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૂનાં મકાનો અને સાંકડી ગલીઓમાં આવેલી કટલરી માર્કેટમાં શૉર્ટ સર્કિટને કારણે લાગેલી આગ બુઝાવવા અમને લાંબા સમય સુધી અંદર જવા નહોતું મળ્યું. એની પાછળનું કારણ એ હતું કે ત્યાં ધુમાડો બહાર નીકળવાની બહુ ઓછી જગ્યા હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે ત્યાં જે વેન્ટિલેશન હતાં એ દુકાનદારોએ પૅક કરીને સામાન ગોઠવી દીધો હતો એથી આગ લાગ્યા બાદ ધુમાડો ત્યાંથી નીકળી નહોતો શક્યો. ધુમાડો લાંબા સમય સુધી અંદર ભરાઈ રહેતાં ફાયરબ્રિગેડ માટે અંદર જવાનું શક્ય નહોતું બન્યું અને ધુમાડાને લીધે વિઝિબિલિટી પણ નહોતી. જે જગ્યાએ આગ લાગી હતી એ તો છેક અંદર હતી. અહીં સુધી ફાયરબ્રિગેડની ટ્રક જવાનો સવાલ જ ન હોવાથી હોઝ પાઇપથી કામ ચલાવવું પડ્યું હતું. બે બિલ્ડિંગની વચ્ચેની હાઉસ-ગલીમાંથી લોકો નીચે અવરજવર કરતા હતા, પણ એમાં ઉપરથી લોકોએ પાટિયાં મૂકીને માળિયાં બનાવી લીધાં હતાં અને એમાં સામાન ભરી દઈ ગોડાઉનની જેમ એ વાપરતા હતા. આમ અમારે લાંબા સમય સુધી બહારથી જ આગ ઠારવાના પ્રયાસ કરવા પડ્યા હતા જેથી આગ અંદર ને અંદર વધુ ફેલાતી ગઈ હતી.’

જૂનાં મકાનોમાં એની બદતર હાલત જોઈને અમારે પણ સાવચેતી સાથે એમાં એન્ટર થઈને કામ કરવું પડે. જવાનોના જીવને જોખમ હોય છે. આમ, આ આગ લાંબી ચાલવા પાછળ એક કરતાં વધુ પરિબળોએ ભાગ ભજવ્યો હતો, એમ ઑફિસરે ઉમેર્યું હતું.

બીએમસી કાર્યવાહી કરશે

આ આગ સંદર્ભે મુંબઈ મગહાનગરપાલિકાના ‘સી’ વૉર્ડના ઑફિસર ચક્રપાણી આર. અલ્લેનો સંપર્ક સાધવામાં આવ્યો અને તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે હાલમાં જે વેપારીઓની દુકાનો બળી ગઈ છે તેમને શું તમે કોઈ વૈકલ્પિક જગ્યા આપવાનો વિચાર કરો છો? ત્યારે તેમણે કહ્યું હતું કે ‘ના, કારણ કે એ પ્રાઇવેટ મકાન છે. અમે તો એમના પર કાર્યવાહી કરવાના છીએ. બીએમસીના અધિકારીઓ, બેસ્ટના અધિકારીઓ અને ફાયરબ્રિગેડના અધિકારીઓની એક સંયુક્ત ટીમ બનાવી છે જે આ આ કેસમાં સર્વે કરી રહી છે. અમે એના પ્લાન મગાવ્યા છે. એમાં શું આ પહેલાં ત્યાં કોઈના પર કાર્યવાહી થઈ હતી? શા માટે થઈ હતી? ગેરકાયદેસર બાંધકામ હતું? નોટિસ અપાઈ હતી? જેવી દરેક બાબતની એ ઝીણવટભરી તપાસ કરશે. ત્યાં કેટલા ગાળા કાયદેસર હતા અને કેટલા ગેરકાયદે હતા એ બધાની તપાસ કરી તેમની સામે ઍક્શન લેવાશે.’

લૉકડાઉન પછી દરેક દુકાનદારે સૅનિટાઇઝર રાખવું ફરજિયાત હતું એથી દરેક દુકાનમાં એ હાઇલી ઇન્ફ્લૅમેબલ મટીરિયલ મોજૂદ હતું. એ સૅનિટાઇઝર સળગીને જ્યાં ઊડે કે પડે ત્યાં એ બળતામાં ઘી હોમવાનું કામ કરતું હતું એથી આગ વધુ ભભૂકતી ગઈ હતી. વળી, કટલરી અને ઇમિટેશન જ્વેલરીનો જે માલ હોય છે એ પણ સળગી ઊઠે એવો હોવાથી આગ લાંબો સમય ચાલી હતી.
- એચ. ડી. પરબ, મુંબઈ ફાયરબ્રિગેડના ડેપ્યુટી ફાયર ઑફિસર

south mumbai mumbai mumbai news brihanmumbai municipal corporation