નંબરપ્લેટ વગરની કારમાં ટ્રાવેલ કરી રહેલા ઓવૈસીના ડ્રાઇવરને થયો ફાઇન

25 November, 2021 09:24 AM IST  |  Mumbai | Agency

સોલાપુરના પોલીસ કમિશનરે કાર્યવાહી કરનારા કૉન્સ્ટેબલને ૫,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ આપીને તેનું સન્માન કર્યું

નંબરપ્લેટ વગરની કારમાં ટ્રાવેલ કરી રહેલા ઓવૈસીના ડ્રાઇવરને થયો ફાઇન

એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી જે એસયુવીમાં મહારાષ્ટ્રના સોલાપુર પહોંચ્યા હતા એ વાહન નંબરપ્લેટ વિનાનું હોવાથી પોલીસે તેમના ડ્રાઇવર પાસેથી ૨૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. ઓવૈસી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે સોલાપુર આવ્યા હતા ત્યારે મંગળવારે આ ઘટના બની હતી. વાહન સામે કાર્યવાહી કરનારા પોલીસને કમિશનરે ૫,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ આપ્યું હતું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમિન (એઆઇએમઆઇએમ) પક્ષના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની વૈભવી એસયુવી સોલાપુરના સદર બજારમાં આવેલા સરકારી ગેસ્ટહાઉસમાં આવી પહોંચી હતી. એ પછી રાજનેતા વિરામ લેવા ગયા હતા. જોકે તેમની કારના આગલા ભાગમાં નંબરપ્લેટ ન હોવાનું એ સમયે ફરજ પર હાજર અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર રમેશ ચિંતનકીડીના ધ્યાન પર આવ્યું હતું.’ 
તેમણે ઓવૈસીના ડ્રાઇવરને દંડ ચૂકવવા જણાવ્યું હતું. એને પગલે એઆઇએમઆઇએમ પ્રમુખના કેટલાક સમર્થકો ગેસ્ટહાઉસની બહાર એકઠા થઈ ગયા હતા, પણ ટૂંક સમયમાં જ સિનિયર પોલીસ અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. એ પછી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રકાંત વાબલેએ વાહનના ડ્રાઇવર પાસેથી ૨૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
સોલાપુરના પોલીસ કમિશનર હરીશ બૈજલે કાર્યવાહી કરનારા કૉન્સ્ટેબલને ૫,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ આપીને તેમનું સન્માન કર્યું હતું.

Mumbai mumbai news