મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર એક વર્ષમાં ૪૭૦ કરોડ રૂપિયાનાં ઈ-ચલાન ઇશ્યુ થયા, સામે માત્ર ૫૧ કરોડ રૂ જ રિકવરી

12 August, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેવી વ્હીકલ ૩.૨૭ લાખ, બસ જેવાં હેવી પૅસેન્જર વ્હીકલ ૨.૪૮ લાખ, ટૅક્સી બે લાખ અને લાઇટ ગુડ્સ કૅરિયર સામે ૧.૨ લાખ ઈ–ચલાન ઇશ્યુ કરવામાં આવ્યાં છે

ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા

મુંબઈ-પુણે એક્સપ્રેસવે ટ્રાફિકના નિયંત્રણ માટે અને લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો તેમના પર નજર રાખવા ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મૅનેજમેન્ટ સિસ્ટમ (ITMS) અને ઠેર-ઠેર ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ગોઠવવામાં આવ્યા છે. એના આધારે ૧૯ જુલાઈ ૨૦૨૪થી જુલાઈ ૨૦૨૫ સુધીમાં કુલ ૨૭.૬ લાખ ઈ-ચલાન ઇશ્યુ કરવામાં આવ્યાં છે, જેના અંતર્ગત ૪૭૦ કરોડ રૂપિયાનો ફાઇન ફટકારવામાં આવ્યો છે. જોકે એ સામે માત્ર ૫૧ કરોડની જ રિકવરી થઈ શકી છે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે આપેલા આંકાડાઓ મુજબ સ્પીડ-લિમિટનો ભંગ કરવામાં સૌથી મોખરે કારચાલકો છે. આ માટે ૧૭.૨૦ લાખ ઈ-ચલાન ઇશ્યુ કરવામાં આવ્યાં છે. એ પછી હેવી વ્હીકલ ૩.૨૭ લાખ, બસ જેવાં હેવી પૅસેન્જર વ્હીકલ ૨.૪૮ લાખ, ટૅક્સી બે લાખ અને લાઇટ ગુડ્સ કૅરિયર સામે ૧.૨ લાખ ઈ–ચલાન ઇશ્યુ કરવામાં આવ્યાં છે, જ્યારે મીડિયમ ગુડ્સ વ્હીકલને ૮૫,૪૬૮, હેવી ગુડ્સ વ્હીકલ માટે ૩૦,૪૫૦ અને મીડિયમ પૅસેન્જર બસને ૧૪,૭૬૪ ઈ-ચલાન ઇશ્યુ કરવામાં આવ્યાં હતાં.

અદ્યતન સિસ્ટમ
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)એ ITMS અંતર્ગત હાઈ રેઝલ્યુશન કૅમેરા, સ્પીડ ડિટેક્શન કૅમેરા, વે ઇન મોશન સેન્સર, વેધર સેન્સર અને અદ્યતન મેસેજિંગ સિસ્ટમ બેસાડી છે અને સાથે જ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) બેઝ્ડ ડિટેક્શન ટૂલ્સ બેસાડવામાં આવ્યાં છે જે ટ્રાફિકના નિયમોનું બરાબર પાલન થાય એ માટે અને અકસ્માત ઓછા થાય એ માટે કાર્યરત રહે છે જે કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ સેન્ટર (CCC) સાથે કો-ઑર્ડિનેટ કરે છે. એ ઉપરાંત અનેક જગ્યાએ સપોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે.

mumbai pune expressway highway national highway mumbai traffic mumbai traffic police mumbai transport news mumbai mumbai news technology news