ગયા વર્ષે રેલવેમાં નોંધાયેલા ગુનામાંથી ૮૪ ટકા ચોરીના

17 January, 2022 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિવાય ૨૦૨૧માં મુંબઈ જીઆરપીએ ૧૩૯૭ બાળકોનો પરિવારજનો સાથે મેળાપ કરાવ્યો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ રેલવેમાં પોલીસ તંત્રના પ્રયાસોને કારણે એમએમઆરના ઉપનગરીય નેટવર્કમાં ૨૦૨૦ની સરખામણીમાં ૧૯ ટકા ઓછા કેસ નોંધાયા છે. ૨૦૨૧માં નોંધાયેલા કુલ ૬૭૨૦ કેસોમાંથી ૮૪ ટકાથી વધુ કેસ ચોરીના હતા.
ગયા વર્ષે એટલે કે ૨૦૨૧માં નોંધાયેલા કુલ કેસમાંથી ૮૪ ટકા કેસ ચોરીના હોવાનું જીઆરપીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. જીઆરપી પાસેથી પ્રાપ્ત આંકડાકીય માહિતી મુજબ ૨૦૨૧માં એમએમઆરના સબર્બન સેક્શનમાં કુલ ૬૭૨૦ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૦૨૦માં કુલ ૮૨૯૨ કેસ નોંધાયા હતા. આ ૬૭૨૦ કેસમાંથી ૮૪ ટકા એટલે કે ૫૮૩૯ કેસ ચોરીના હતા. 
આ ૫૮૩૯ કેસમાંથી ૮૭૦ કેસ કલ્યાણ જીઆરપી અધિકારક્ષેત્રના હતા, જ્યારે ૭૯૭ થાણે જીઆરપીના હતા. હાર્બર લાઇન પર વડાલા જીઆરપીમાં ૪૦૯ કેસ નોંધાયા હતા, જ્યારે વેસ્ટર્ન એરિયામાં બોરીવલી જીઆરપીમાં ૫૭૫ અને વસઈ જીઆરપીમાં ૫૫૮ કેસ નોંધાયા હતા. 
આ જ પ્રકારે દાદર જીઆરપીમાં ૬૫૪, કુર્લામાં ૪૯૦, સીએસએમટીમાં ૪૮૮, અંધેરીમાં ૩૫૧, મુંબઈ સેન્ટ્રલમાં ૩૪૪, બાંદરામાં ૩૩૦, પનવેલમાં ૨૫૧, ચર્ચગેટમાં ૧૫૩, વાશીમાં ૧૬૧, કર્જતમાં ૭૮ અને પાલઘર જીઆરપીમાં ચોરીના ૬૮ કેસ નોંધાયા હતા. 
વર્ષ દરમ્યાન મુંબઈ જીઆરપી અધિકારક્ષેત્રમાં કુલ ૭૦ મિસિંગ કેસ નોંધાયા હતા, જેમાંથી ૬૦ કેસનો નિકાલ કરાયો હતો. આ જ રીતે અપહરણના ૧૦ કેસ મુંબઈ જીઆરપીમાં નોંધાયા હતા. આમાંથી નવ કેસમાં અપહૃતોને શોધી શકાયા હતા. 
૨૦૨૧માં મુંબઈ જીઆરપીનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં મહિલાઓ સામેના કુલ ૪૮ કેસ નોંધાયા હતા. આમાંના ૩૭ કેસ છેડતીના જ્યારે ૧૧ કેસ બળાત્કારના હતા. ૨૦૨૦માં મહિલાઓ સામેના ૫૩ કેસ નોંધાયા હતા. આમાંથી ૫૦ કેસ છેડછાડના હતા. 
૨૦૨૧માં મુંબઈ જીઆરપીના અધિકારક્ષેત્રમાંથી વિવિધ રેલવે સ્ટેશનો તેમ જ ટ્રેનોમાંથી પરિવારથી વિખૂટાં પડી ગયેલાં કુલ ૧૫૪૩ બાળકો મળી આવ્યાં હતાં. એમાંથી ૧૩૯૭ બાળકોને તેમના પરિવારજનો સાથે મેળવવામાં આવ્યાં હતાં. બાકીનાં બાળકોને બાળસુધાર કેન્દ્રોમાં મૂકવામાં આવ્યાં હતાં. 
૨૦૨૧માં હત્યાના ૧૦, હત્યાના પ્રયાસના ૬ અને લૂંટના ૬૨૦ કેસ નોંધાયા હતા. જોકે આ વર્ષે ચેઇન ખેંચવાના, બૅગ આંચકી લેવાના, પાકીટ મારવાના કેસ પ્રમાણમાં ઓછા નોંધાયા હતા. ૨૦૨૧માં પાકીટ મારવાના ૨૯૦૮ કેસ, બૅગ આંચકી લેવાના ૭૭૩ કેસ સામે ૨૦૨૦માં પાકીટ મારવાના ૪૩૨૨ અને બૅગ આંચકી લેવાના ૯૦૪ કેસ નોંધાયા હતા. 
મુંબઈ રેલવે પોલીસનો ચાલુ વર્ષમાં લૂંટનો ડિટેક્શન રેટ ૮૫ ટકા હતો અને એકંદરે ગુના શોધવાનો દર ૩૮ ટકા હતો.
મુંબઈ જીઆરપીનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા લૂંટના ગયા વર્ષની તુલનાએ ૧૫ ટકા વધુ કુલ ૬૨૦ કેસમાંથી ૫૨૮ કેસ ઉકેલાયા હતા. ૨૦૨૦માં લૂંટના કુલ ૫૮૪ કેસ નોંધાયા હતા, જેમાંથી ૪૦૯ કેસ ઉકેલાયા હતા. 

mumbai mumbai news indian railways