ગર્લફ્રેન્ડ પર રેપ કરવાના આરોપસર ટીવી-ઍક્ટરની ધરપકડ

26 November, 2014 03:23 AM IST  | 

ગર્લફ્રેન્ડ પર રેપ કરવાના આરોપસર ટીવી-ઍક્ટરની ધરપકડ




ટચૂકડા પડદાની ઍક્ટ્રેસ અને ગર્લફ્રેન્ડે રેપની ફરિયાદ કર્યા બાદ ટીવી-ઍક્ટર આહ્વાન કુમારની ઓશિવરા પોલીસે ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ‘આહ્વાને લગ્ન કરવાનું વચન આપીને આ ઍક્ટ્રેસ સાથે સંબંધો બાંધ્યા હતા, પરંતુ આ ઍક્ટ્રેસ પ્રેગ્નન્ટ થયા બાદ ઍક્ટર ગર્ભપાત માટે તેના પર દબાણ લાવ્યો હતો અને સંબંધો તોડી નાખ્યા હતા.’

૩૧ વર્ષની ઍક્ટ્રેસે આહ્વાન ઉર્ફે મનીત સામે ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં આ બીજી વખત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે આ ઍક્ટ્રેસને ટીવી-ઇન્ડસ્ટ્રીના કલીગ્સ તરફથી આ પ્રકરણે ચૂપ રહેવાના ધમકીભર્યા કૉલ્સ પણ આવ્યા હતા.

ઍક્ટ્રેસે નોંધાવેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ‘૨૦૧૧માં એક ટીવી-સિરિયલના સેટ પર અમે મળ્યાં હતાં. આહ્વાને પ્રપોઝ કર્યા બાદ અમારી વચ્ચે સંબંધો વિકસ્યા હતા. ૨૦૧૨ની ૧૨ ફેબ્રુઆરીએ અંધેરીના એક નર્સિંગ હોમમાં આહ્વાને મને દાખલ કરાવીને અબૉર્શન કરાવ્યું હતું. આ નર્સિંગ હોમના રેકૉર્ડમાં આહ્વાનનું નામ મારા હસબન્ડ તરીકે નોંધાયેલું છે.’

વધુમાં ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે ‘આહ્વાને મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને મારા પેરન્ટ્સને પણ તે મળ્યો હતો. સંબંધો બાંધ્યા બાદ હું પ્રેગ્નન્ટ થઈ એટલે મેં તેને રજિસ્ટર્ડ મૅરેજ કરી લેવાનું કહ્યું હતું, પરંતુ તેણે મને ધમકીઓ અને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. તેણે પરાણે મારી અબૉર્શન સર્જરી કરાવ્યા બાદ મને કરીઅર પર ધ્યાન આપવાનું કહ્યું હતું. ત્યાર બાદ અમારી કુંડળીઓ નથી મળતી એવું બહાનું કરીને લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. મેં તેને લગ્ન માટે વધુ આગ્રહ કર્યો તો તેણે મને અને મારા પરિવારને ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું.’

બાવીસ નવેમ્બરે ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઈ હતી. સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુભાષ બેલેએ કહ્યું હતું કે ‘આરોપી ઍક્ટર પોલીસની કસ્ટડીમાં છે. આ કેસમાં અમે બૅકગ્રાઉન્ડ તપાસીને હકીકત જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ કેસની યોગ્ય તપાસ કરવામાં આવશે.’