માસ્ક-સૅનિટાઇઝરમાં ગેરરીતિ સામે કાર્યવાહીનો આદેશ અપાયો

15 March, 2020 09:19 AM IST  |  Mumbai Desk

માસ્ક-સૅનિટાઇઝરમાં ગેરરીતિ સામે કાર્યવાહીનો આદેશ અપાયો

મુંબઈ : (પી.ટી.આઇ.) મહારાષ્ટ્ર પોલીસે માસ્ક અને બનાવટી સેનિટાઇઝર બનાવનારા સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હોવાનું ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગઈ કાલે જણાવ્યું હતું. કોરોના વાઇરસને પગલે મોટા પ્રમાણમાં માસ્ક માર્કેટ કરતાં ઊંચા ભાવે વેચાતા હોવાનું અને બનાવટી સેનિટાઇઝર બજારમાં ઠલવાતા હોવાની ફરિયાદ મળ્યા બાદ સરકારે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
પત્રકારો સાથે વાત કરતાં અનિલ દેશમુખે કહ્યું હતું કે કોરોના વાઇરસ બાબતે અફવા ફેલાવનારાઓ સામે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ અંતર્ગત પગલાં લેવામાં આવશે. વિધાનભવનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની બેઠક બાદ ગૃહપ્રધાને આ માહિતી આપી હતી.
તેમણે ઉમેર્યું હતું કે કોરોના વાઇરસ સંબંધી હેલ્થ અને ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાય વિભાગ દ્વારા ઘણાં સૂચનો અપાયાં છે. આ મામલે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઈ હતી. અમે પોલીસને માસ્ક અને સેનિટાઈઝરનું બ્લૅક માર્કેટિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
અનિલ દેશમુખે વધુમાં કહ્યું હતું કે કોઈ પણ જેલમાં કોરોના વાઇરસનો દરદી હોવાનું જણાય તો એના માટે અલાયદી જગ્યા ઊભી કરવાનો આદેશ જેલના અધિકારીઓને આપી દેવાયો છે, જેથી અન્ય કેદીઓમાં આ બીમારી ન ફેલાય.

mumbai mumbai news coronavirus