મુંબઈ જળબંબાકાર થતાં થતાં રહી ગયું

06 July, 2022 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સવારે શરૂ થયેલા ભારે વરસાદે મુંબઈગરાઓને ગભરાવી મૂક્યા હતા, પરંતુ બપોર સુધીમાં વરસાદનું જોર ઘટતાં અને ભારે હોવા છતાં અટકી-અટકીને પડ્યો હોવાથી મુશ્કેલી ટળી ઃ મુંબઈ, થાણે અને પાલઘરમાં ઑરેન્જ અલર્ટ

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે સુધરાઈના મુખ્યાલયમાં આવેલા ડિઝૅસ્ટર કન્ટ્રોલ રૂમની પ્રથમ મુલાકાત દરમિયાન ટ્રેન સેવા ખોરવાય તો મુંબઇવાસીઓ માટે રેલ્વે સ્ટેશન નજીક બસો, ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો. પ્રદીપ ધિવાર


મુંબઈ ઃ આ ચોમાસામાં ગઈ કાલે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન પહેલી વખત સારો વરસાદ નોંધાયો હતો, જેને લીધે રેલવેના પાટા સહિતનાં કેટલાંક સ્થળે પાણી ભરાવાની સમસ્યા સર્જાતાં ટ્રેન અને વાહનવ્યવહારની સાથે મુંબઈગરાઓના રોજબરોજના કામકાજને અસર પહોંચી હતી. જોકે સદ્નસીબે ભારે વરસાદ થવા છતાં કોઈ મોટી દુર્ઘટના નહોતી થઈ અને બપોર બાદ વરસાદે વિરામ લીધા પછી લોકોએ રાહતનો દમ લીધો હતો. નવી સરકાર અસ્તિત્વમાં આવ્યાના ગણતરીના કલાકોમાં જ મુંબઈ સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડવાને પગલે ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બીએમસીના મુખ્યાલયમાં ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગમાં પહોંચીને સ્થિતિ જાણી હતી. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં પણ મુંબઈ, થાણે અને પાલઘર વિસ્તારમાં ભારેથી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી હોવાથી ઑરેન્જ અલર્ટ જારી કરવામાં આવી છે.
મુંબઈગરાઓ ગઈ કાલે સવારે જાગ્યા ત્યારે ધોધમાર પડી રહેલા વરસાદને જોઈને તેમને લાગ્યું હતું કે આજે બધે પાણી ભરાઈ જશે એટલે ટ્રેનો અને વાહનો થંભી જશે. જોકે વરસાદ એકસાથે નહીં પણ અટકી-અટકીને વરસ્યો હતો એટલે કેટલાક નીચાણવાળા વિસ્તારો સિવાય કોઈ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા નહોતી સર્જાઈ એટલે મોટા ભાગનું કામકાજ રાબેતા મુજબ જ રહ્યું હતું. સોમવાર સવારથી ગઈ કાલે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં કોલાબામાં ૧૧૭.૪ એમએમ એટલે કે સાડાચાર ઇંચ અને સાંતાક્રુઝમાં ૧૨૪.૨ એમએમ એટલે કે પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બપોર બાદ વરસાદનું પ્રમાણ ઘટ્યું હતું.
પરાંમાં વધુ વરસાદ
તળ મુંબઈ કરતાં પૂર્વ અને પશ્ચિમનાં પરાંમાં વધુ વરસાદ નોંધાયો હતો. એમાં પણ મુલુંડ, ભાંડુપ, દહિસર, બોરીવલી અને વિક્રોલીમાં વરસાદનું પ્રમાણ વધુ રહ્યું હતું. ગઈ કાલે દિવસે સવારના ૮ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા દરમ્યાન સૌથી વધુ ૧૬૪.૦૮ એમએમ વરસાદ વિક્રોલીમાં તો સૌથી ઓછો ૨૯.૯૮ એમએમ વરસાદ કોલાબામાં નોંધાયો હતો.
વિહાર તળાવ છલકાયું
ભારે વરસાદને લીધે પવઈમાં આવેલું વિહાર તળાવ ગઈ કાલે સાંજે ૬.૧૫ વાગ્યે ઓફરફ્લો થયું હતું. આ તળાવમાં ૫૪૫ કરોડ લિટર પાણીની ક્ષમતા છે, જે પીવા યોગ્ય ન હોવાથી ઇન્ડસ્ટ્રીમાં આપવામાં આવે છે. આ ચોમાસામાં આ તળાવ વિસ્તારમાં સારો વરસાદ થવાથી એ છલકાઈ ગયું હતું. આ સિવાય શહેરને પાણી પૂરું પાડનારા બાકીના જળાશયોમાં નોંધપાત્ર વરસાદ નોંધાતા આગામી દિવસોમાં સુધરાઈ પાણીકાપ પાછો લેવાનું વિચારે એવી શક્યતા છે.

26.56
ચોમાસું મોડું થયું હોવા છતાં મુંબઈમાં ગઈ કાલના સારા વરસાદને પગલે સીઝનનો સરેરાશ ૨૬.૫૬ ટકા વરસાદ પડી ગયો છે.

25
મુંબઈ શહેરમાં પાંચ, પૂર્વનાં પરાંમાં આઠ અને પ‌શ્ચિમનાં પરાંમાં ૧૨ મળીને આટલાં વૃક્ષ તૂટી પડ્યાં.

12
શહેરમાં પાંચ, પૂર્વનાં પરાંમાં પાંચ અને પશ્ચિમનાં પરાંમાં બે મળીને શૉર્ટ સરકિટના આટલા મામલા નોંધાયા.

વેસ્ટર્ન રેલવેની ૧૫ મિનિટ તો સેન્ટ્રલ રેલવેની ૨૦ મિનિટ ટ્રેનો મોડી દોડી.

9
રાયગડ જિલ્લામાં ૨૪ કલાકમાં આટલા ઇંચ વરસાદ નોંધાતાં છ ઘર તૂટતાં લોકોને સલામત સ્થળે ખસેડાયા.

4
ગોળીબાર, મિલન, અંધેરી અને મલાડના આટલા સબવે અમુક સમય સુધી બંધ કરવામાં આવ્યા હતા.

mumbai news mumbai rains