ભારે વરસાદને પગલે મુંબઈમાં આજે 'ઑરેન્જ અલર્ટ'

15 July, 2020 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારે વરસાદને પગલે મુંબઈમાં આજે 'ઑરેન્જ અલર્ટ'

શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે

ગઈકાલથી પડી રહેલા વરસાદને લીધે મુંબઈ શહેરમાં અનેક ઠેકાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને આજે પણ વરસાદ ચાલુ જ છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, આજે આખો દિવસ શહેરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદ વચ્ચે પાલિકાએ મુંબઈગરાંઓને સાવચેતી રાખવાનું અને સમુદ્ર કિનારાથી દુર રહેવાની સલાહ આપી છે. તેમજ શહેરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હોવાથી હવામાન વિભાગે આજે 'ઑરેન્જ અલર્ટ' જાહેર કર્યું છે.

હવામાન વિભાગે અનુમાનમાં કહ્યું છે કે, થાણે, પાલઘર અને કોંકણમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ કે એસ હોસાલીકરે મુંબઈ, થાણે અને કોંકણમાં મૂશળધાર વરસાદની સંભાવના દર્શાવતી સેટેલાઈટ તસવીરો શૅર કરી છે.

પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેરમાં 8.92 સેમી, પૂર્વ ઉપનગરોમાં 4.48 સેમી અને પશ્ચિમ ઉપનગરોમાં 7.51 સેમી વરસાદ થયો છે. જે કુલ ઋતુના 37.74 ટકા છે.

શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ જતા મુંબઈ પોલીસે દાદર ટીટી, હિંદમાતા જંક્શન, માહિમ જંક્શન, એસવી રોડ અંધેરી, ખાર સબવે, કેએફસી બાન્દ્રા અને ચાંદિવલી જંક્શન વિસ્તારોમાં જવાનું ટાળવાનું કહ્યું છે. પોલીસે મુંબઈગરાંને વિનંતી કરી છે કે, જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળો.

દાદર ટીટી, હિંદમાતા જંક્શન, માહિમ જંક્શન, એસવી રોડ અંધેરી, ખાર સબવે, કેએફસી બાન્દ્રા, ચાંદિવલી જંક્શન, સાયન, પારસી કૉલોની દાદર, નાલાસોપારા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.

mumbai mumbai news mumbai monsoon mumbai rains