16 June, 2026 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૃપાલ તુમાને
શિવસેના (UBT)ના નવમાંથી ૭ સંસદસભ્યો ટૂંક સમયમાં તેમનો પક્ષ છોડીને શિવસેનામાં જોડાય અથવા લોકસભામાં નવું જૂથ બનાવે એવી ચર્ચાએ રાજ્યના રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. શિવસેનાના વિધાન પરિષદના સભ્ય અને ભૂતપૂર્વ સંસદસભ્ય કૃપાલ તુમાનેએ કરેલા ‘ઑપેરેશન ટાઇગર’ના દાવાથી ખળભળાટ મચી ગયો છે. આ એ જ કૃપાલ તુમાને છે જેમણે લાસ્ટ ટાઇમ થયેલા પક્ષપલટા વખતે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ઑપરેશન ટાઇગર ફરી કરવામાં આવશે એવું સ્ટેટમેન્ટ આપતાં ચર્ચાએ જોર પકડ્યું છે. એટલું જ નહીં, આ ૭ સંસદસભ્યો લોકસભામાં તેમનું અલગ જૂથ બનાવે એવી પણ શક્યતા જોવાઈ રહી છે.
કૃપાલ તુમાનેએ કહ્યું હતું કે ‘શિવસેના (UBT)ના નવમાંથી ૭ સંસદસભ્યો અમારા સંપર્કમાં છે. લોકસભાનું મૉન્સૂન સેશન ચાલુ થશે એ પહેલાં જ ઑપરેશન ટાઇગર પાર પડી જશે અને શિવસેના (UBT)ના એ ૭ સંસદસભ્યો અમારી શિવસેનામાં જોડાઈ જશે. શિવસેના (UBT)ના ૧૬ વિધાનસભ્યો અને ૭ સંસદસભ્યો ઉદ્ધવ ઠાકરેની કાર્યશૈલીથી ત્રાસી ગયા છે અને એકનાથ શિંદે સાથે પણ તેમણે વાતચીત કરી લીધી છે. તેમને એકનાથ શિંદે અને શ્રીકાંત શિંદે પર પૂરો ભરોસો છે એટલે તેઓ અમારા પક્ષમાં આવવા આતુર છે. ફક્ત એની તારીખ ટૂંક સમયમાં નક્કી થશે. અમારી શિવસેના હવે દરેક ગામ સુધી પહોંચી છે, પણ અમારો દરેક ઘર સુધી પહોંચવાનો ટાર્ગેટ છે. એ માટે અમે તૈયારી શરૂ કરી દીધી છે. અમારો એકનાથ શિંદેસાહેબ પર વિશ્વાસ છે. તેઓ જે કંઈ બોલે છે એ કરે છે.’
ઑપરેશન ટાઇગરની ચર્ચા બાદ શિવસેના (UBT) દ્વારા રવિવારે આદિત્ય ઠાકરેના જન્મદિને સંસદસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. એમાં નવમાંથી માત્ર ૪ સંસદસભ્યો હાજર રહ્યા હતા. સંસદસભ્યો જો પ્રત્યક્ષ ન આવી શકે તો તેમને ઑનલાઇન મીટિંગમાં હાજર રહેવા જણાવ્યું હતું. એ પાંચમાંથી એક જ સંસદસભ્યે એ સંદર્ભે ઉદ્ધવ ઠાકરેનો સંપર્ક કર્યો હતો. બાકીના સંસદસભ્યોઓ એ પણ ટાળ્યું હતું. જોકે એ બેઠક પછી શિવસેના (UBT) દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમારા બધા સંસદસભ્યો અમારી સાથે જ છે, તેઓ પક્ષ છોડવાના નથી. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે ‘ઑપરેશન ટાઇગર જેવું કશું જ નથી. હવે અમે ઑપરેશન શિયાળ ચાલુ કરીશું.’
દિલ્હીમાં શિવસેના (UBT)ના સંસદસભ્ય શિવસેનાના સંસદસભ્યને મળ્યા
શિવસેના (UBT)ના સંસદસભ્ય સંજય દેશમુખ રવિવારે દિલ્હીમાં શિવસેનાના સંસદસભ્ય પ્રતાપરાવ જાધવને મળ્યા હતા, જેને કારણે કેટલીક અટકળો ફરતી થઈ હતી. જોકે એવું કહેવાય છે કે સંજય દેશમુખે ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને કહ્યું હતું કે તેઓ કૉલેજની પરવાનગી લેવાના કામ માટે પ્રતાપરાવ જાધવને મળ્યા હતા.
અમારા સંસદસભ્યો પર અમને આંધળો વિશ્વાસ : આદિત્ય ઠાકરે
પુણેમાં ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે ‘રાજકીય આટાપાટા ચાલતા રહેતા હોય છે. પક્ષ તોડવો, પક્ષ ફોડવો એ આખા દેશમાં બધે જ ચાલુ છે. બેતૃતીયાંશ મૅજોરિટી મેળવવાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે. આગળ જતાં હજી કંઈ-કંઈ થશે, પણ આપણે આ રાજકીય ચર્ચા કરતાં લોકોના પ્રશ્નો પર વધુ ધ્યાન આપવું જોઈએ. કૃપાલ તુમાને કંઈ પણ કહે, તેમને કહો કે ફરી એક વાર ચૂંટણી લડે અને જીતી બતાવે. જે લોકો (સંસદસભ્યો, વિધાનસભ્યો) અમારી સાથે છે તેમના પર અમે આંધળો વિશ્વાસ મૂકીએ છીએ. અફવાઓ પર વિશ્વાસ મૂકવો નહીં. રવિવારની બેઠકમાં કેટલાક સંસદસભ્યો પ્રત્યક્ષ હાજર નહોતા રહી શક્યા, પણ તેઓ ઑનલાઇન હાજર રહ્યા હતા.’
જેને જવું હોય તે ખુશીથી જઈ શકે છે : ઉદ્ધવ ઠાકરે
શિવસેના (UBT)ના ૭ સંસદસભ્ય તેમનો પક્ષ છોડી શિવસેનામાં જોડાવાના છે એવી ચર્ચાને પગલે ઉદ્ધવ ઠાકરેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘જેમને જવું હોય તે ખુશીથી જઈ શકે છે. તેમનું ભલું થાઓ. આજનો દિવસ મારો નથી, પણ આવતી કાલ નક્કી મારી હશે. બાળાસાહેબ ઠાકરેની શિવસેના જે છોડીને જશે તેને એક દિવસ નક્કી પશ્ચાત્તાપ થશે.’
સાથે જ ઉદ્ધવ ઠાકરેએ પક્ષના કાર્યકરોને આહ્વાન કર્યું છે કે શાંત રહો અને સહન કરતાં શીખો.
નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC) દ્વારા સ્વાસ્થ્ય કેન્દ્રના ઉદ્ઘાટનના કાર્યક્રમ માટે છપાયેલા ઇન્વિટેશન કાર્ડમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું નામ ન છપાયું હોવાથી શિવસેનાના કાર્યકરો નારાજ થયા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP)ના કૅબિનેટ મિનિસ્ટર ગણેશ નાઈક કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા ત્યારે શિવસેનાના કાર્યકરોએ કાળા વાવટા દેખાડી અને તેમની ગાડી રોકીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)નાં જ બેલાપુરનાં વિધાનસભ્ય મંદા મ્હાત્રેએ પણ NMMCએ છાપેલા કાર્ડમાં અમુક પ્રોજેક્ટ માટે ગણેશ નાઈકને શ્રેય અપાયું એ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને પ્રોજેક્ટ પોતાને મળેલા ભંડોળમાંથી થયો હોવાનો દાવો કર્યો હતો. ખોટી રીતે ગણેશ નાઈકને શ્રેય અપાયું હોવાનો આરોપ પણ મંદા મ્હાત્રેએ કર્યો હતો.