21 November, 2026 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈમાંથી અપહરણ થયેલાં કે ગુમ થયેલાં ૧૮ વર્ષથી નીચેનાં છોકરા-છોકરીઓ અને ૧૮ વર્ષથી વધુ વયની ગુમ થયેલી મહિલાઓને શોધી કાઢવા માટે મુંબઈ પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ વિશે માહિતી આપતાં મુંબઈ પોલીસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘૨૦ નવેમ્બરથી ૩ ડિસેમ્બર દરમ્યાન સમગ્ર મુંબઈમાં ‘ઑપરેશન શોધ-6’ નામની આ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રેકૉર્ડ પર નોંધાયેલાં વધુમાં વધુ ગુમ થયેલાં બાળકો અને મહિલાઓને શોધીને તેમને સુરક્ષિત રીતે તેમના પરિવાર સાથે મિલન કરાવવાનો છે.
આ ઝુંબેશ અંતર્ગત મુંબઈનાં દરેક પોલીસ-સ્ટેશન સ્તરે સઘન કામગીરી કરવામાં આવશે જેની વિગતો આપતાં સિનિયર પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે ‘દરેક પોલીસ-સ્ટેશનમાં મિસિંગ કેસ નોંધનાર અને એનો રેકૉર્ડ રાખનાર વિશેષ ટીમ છેલ્લાં વર્ષોમાં ગુમ થયેલાં બાળકો વિશેની તમામ માહિતી એકત્રિત કરશે. આ ઉપરાંત, જૂના ગુમ થયેલા કેસોની ફાઇલો ફરી એક વાર ખોલવામાં આવશે અને એની ઝીણવટભરી તેમ જ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં પોલીસ વિભાગની સાથે ગુમ થયેલી અને અપહરણ થયેલી વ્યક્તિઓ માટે કામ કરતી વિવિધ નૉન-ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન (NGO) પણ જોડાશે જેથી તપાસને વધુ વેગ મળી શકે.’
મુંબઈ પોલીસે આ અભિયાનને સફળ બનાવવા માટે મુંબઈના તમામ નાગરિકોને આગળ આવીને મદદ કરવા અપીલ કરી છે. નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે જો તેમને પોતાના રહેણાક વિસ્તારમાં, રેલવે-સ્ટેશન કે બસ-સ્ટૅન્ડની આસપાસ, ધાર્મિક સ્થળો, હૉસ્પિટલો, હોટેલો કે દુકાનોમાં કોઈ શંકાસ્પદ હાલતમાં બાળકો અથવા મહિલાઓ જોવા મળે તો તરત પોલીસને જાણ કરવી. આ ઉપરાંત, રસ્તા પર ભીખ માગતાં, કચરો વીણતાં કે કોઈના ઘરે અથવા દુકાનમાં બાળમજૂરી કરતાં સગીર બાળકો નજરે પડે અથવા પાડોશમાં કોઈના ઘરે શંકાસ્પદ રીતે રહેતાં બાળકો કે મહિલાઓ જણાય તો એ વિશે પણ પોલીસને માહિતી આપવી જરૂરી છે.
કોઈ પણ શંકાસ્પદ બાળક કે ગુમ થયેલી વ્યક્તિ જોવા મળે તો નાગરિકોએ તાત્કાલિક પોલીસ કન્ટ્રોલ રૂમના હેલ્પલાઇન-નંબર ૧૦૦ અથવા ચાઇલ્ડ હેલ્પલાઇન-નંબર ૧૦૯૮ પર સંપર્ક કરવો અથવા નજીકના પોલીસ-સ્ટેશનનો સંપર્ક કરીને તે વ્યક્તિને ત્યાં લઈ જવી. આ ઉપરાંત જો કોઈ સગીર બાળક શંકાસ્પદ જણાય તો નાગરિકો ભારત સરકારની વેબસાઇટ https://missionvatsalya.wcd.gov.in પર જઈને ખોયા-પાયા પોર્ટલ પર તે બાળકનો ફોટો પણ અપલોડ કરી શકે છે. નાગરિકોનો આ નાનો સહયોગ કોઈ પરિવારના વિખૂટા પડેલા સ્વજનને પાછા મેળવવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે એમ અધિકારીએ જણાવ્યું હતું.