ઑપરેશન બફેલો

31 December, 2014 03:34 AM IST  | 

ઑપરેશન બફેલો




પ્રીતિ ખુમાણ ઠાકુર

દુકાન, ઘર, ઑફિસ વગેરેમાં ચોરી અને દરોડાના કેસ સાંભળવા મળે; પણ ભિવંડીના પડઘામાં આવેલા આને નામના ગામના એક તબેલામાંથી એક-બે નહીં પણ ૬૦ ભેંસો એક કલાકમાં ૬ ટ્રકમાં ભરીને ચોરાઈ ગઈ હતી. જોકે આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે અને ગઈ કાલ મોડી રાત સુધી તપાસ ચાલી રહી હતી.

એ વિશે એક પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે રાતે અચાનક સાડાબાર વાગ્યે ભેંસના તબેલામાં ૨૧ માણસો ઘૂસી આવ્યા અને બહાર ૬ ટ્રક ઊભી રાખી દેવાઈ હતી. બંદૂકની ધાક દેખાડી તબેલાના મૅનેજર અને કર્મચારીઓના હાથ-પગ બાંધી દઈ તેમને એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. ભેંસની ચોરી કરવાની સાથે તેમણે તબેલાના ગલ્લામાં રહેલા દોઢ લાખ રૂપિયા પણ તફડાવી લીધા હતા. જોકે ટ્રકને ચોરોએ પહેલાં મોકલી દીધી હતી જેથી ટોલનાકા પર પકડાઈ ન જવાય. તેમનામાંના અડધા લોકો તબેલામાં કલાકેક સુધી બેઠા રહ્યા હતા.’

તબેલામાં ચોરી કરવા જતાં પહેલાં ચોરો બધી તૈયારી કરીને આવ્યા હતા. તેમણે તબેલાના મૅનેજરથી લઈને ત્યાં કામ કરતા બધા કર્મચારીઓના ફોનમાંથી કૉન્ટૅક્ટ-નંબર ડિલીટ કરીને સિમ-કાર્ડ ફેંકી દીધાં હતાં. દરમ્યાન તબેલામાં છાણ ઉપાડવાનું કામ કરતા એક કર્મચારીના મોબાઇલમાંથી ચોરે દિલ્હીમાં કોઈક ટ્રાન્સર્પોટવાળાને ફોન કર્યો હતો અને ટ્રકને કઈ જગ્યાએ મોકલવાની છે વગેરે ચર્ચા કરી હતી. ત્યાર બાદ ચોરોએ તેના ફોનમાંના કૉન્ટૅક્ટ-નંબર પણ ડિલીટ કરી દીધા હતા અને સિમ-કાર્ડ છાણમાં ફેંકી દીધું હતું. જોકે પેલા કર્મચારીએ છાણમાંથી પોતાનું સિમ-કાર્ડ શોધી કાઢ્યું હતું અને સિમ-કાર્ડ મોબાઇલમાં નાખતાં જ દિલ્હીથી ટ્રાન્સર્પોટવાળાનો ફોન આવ્યો હતો, ‘વસઈના વાલીવની ટ્રકો ખાલી થઈ કે નહીં?’ એથી કર્મચારીએ તરત તબેલાના મૅનેજરને એની જાણ કરી અને તેમણે પોલીસને વાત કરતાં પોલીસે વસઈના વાલીવમાં આવેલા જાફરપાડાના એક તબેલામાં પહોંચી જઈને ત્યાં ભેંસો ભરેલી ટ્રકો ખાલી કરવામાં આવી રહી હતી એને અટકાવી હતી. પોલીસને ત્યાં છમાંથી પાંચ ટ્રક મળી આવી હતી અને વધુ એક ટ્રકની તેઓ શોધખોળ કરી રહ્યા છે. જો છાણમાં પડેલું સિમ-કાર્ડ કર્મચારીએ શોધી કાઢ્યું ન હોત તો કદાચ ભેંસને શોધવાનું ભારે પડ્યું હોત, કેમ કે એક વાર ભેંસો બીજી ભેંસો સાથે ભળી જાઈ એ પછી તેમને શોધવાનું મુશ્કેલભર્યું બની જાય છે.

પોલીસ શું કહે છે?

આ વિશે પડઘા પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર એસ. ભોસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વિશે અમને જાણ થઈ હતી અને અમે પોલીસને ત્યાં ટ્રક લેવા મોકલ્યા હતા. અત્યારે તો આખી ઘટનાની તપાસ થઈ રહી છે. તબેલાનો પાર્ટનર બહારગામ ગયો હોવાથી તે પણ ઑન ધ વે છે એટલે તે આવશે ત્યાર પછી જ વધુ માહિતી મેળવીને કેસ રજિસ્ટર કરવામાં આવશે. અન્ય એક ટ્રક નથી મળી એની તપાસ ચાલી રહી છે.’

ભેંસની કિંમત

એક ભેંસની કિંમત ૩૫,૦૦૦થી લઈને દોઢ લાખ રૂપિયા સુધીની હોય છે. આ તબેલાની ભેંસો તબિયતે સારી હોવાથી એની કિંમત વધારે હશે. ટ્રકમાં ચોરો જ્યારે ભેંસને ભરી રહ્યા હતા ત્યારે એમાંની એકાદ-બે ભેંસને ઈજા થઈ હતી એવી માહિતી મળી હતી.