મહારાષ્ટ્રમાં પહેલી જ સભામાં રાહુલ ગાંધીએ લોચો માર્યો?

09 October, 2014 03:05 AM IST  | 

મહારાષ્ટ્રમાં પહેલી જ સભામાં રાહુલ ગાંધીએ લોચો માર્યો?




મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારયુદ્ધમાં ગઈ કાલથી કૉન્ગ્રેસના વાઇસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ છે. મહાડમાં પહેલી રૅલીને સંબોધતાં રાહુલ ગાંધીએ જોશભેર પ્રવચનમાં એક તબક્કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને વિરોધી પાર્ટીના નેતા કહીને લોચો માર્યો હતો, પરંતુ પછી મોદીને દેશના અત્યાર સુધીના વિકાસ અને પ્રગતિનો જશ એકલા હાથે ખાટી લેવા માગતા પ્રાઇમ મિનિસ્ટર કહીને પોતાની ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણમાં રાહુલે NCPનો ઉલ્લેખ કરવાનું પણ ટાળ્યું હતું, પરંતુ શિવસેના અને ગ્થ્ભ્ની મન ભરીને ટીકા કરી કૉન્ગ્રેસની નીતિઓ અને ખાસ તો મહારાષ્ટ્રના છેલ્લા ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણની સ્વચ્છ ઇમેજને વધુ ચમકાવી કૉન્ગ્રેસને મત આપવાની અપીલ કરી હતી. જોકે રાહુલનું મુખ્ય લક્ષ્ય તો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જ હતા. 

આવો જોઈએ મહાડની રૅલીમાં રાહુલ ગાંધી શું-શું બોલ્યા.

મોદી વિશે

વિરોધી પાર્ટીના એક નેતા કહે છે કે છેલ્લાં ૬૦ વર્ષમાં કંઈ થયું જ નથી. તેમને લાગે છે કે માત્ર એક જ વ્યક્તિ દેશને આગળ લઈ જશે. આવા વિચારોથી ડૉ. આંબેડકર, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નેહરુ સહિતના મહાનુભાવો તેમ જ આપણા પૂર્વજોની સિદ્ધિઓ સામે પણ પ્રશ્નાર્થ લાગી ગયો છે. જોકે આ દેશ આપણા સૌના લોહી અને પરસેવાથી આજે આ સ્થાને પહોંચ્યો છે.

પાકિસ્તાની જમ્મુ અને કાશ્મીરની બૉર્ડરે અંધાધૂંધ ફાયરિંગ કરીને નર્દિોષ નાગરિકોની હત્યા કરી છે, પરંતુ મોદીએ આ રોકવા શું કર્યું? લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ચીન અને પાકિસ્તાન સામે આક્રમક વલણની વાતો કરતા મોદી છેલ્લા ત્રણ મહિનાથી પાડોશી દેશોની ઉશ્કેરણી છતાં કંઈ જ કરતા નથી. પ્રાઇમ મિનિસ્ટર જ્યારે ચીનના પ્રેસિડન્ટ સાથે ઝૂલો ઝૂલતા હતા ત્યારે ચીનના હજારો સેનિકો લદ્દાખમાં આપણી જમીન પર કબજો જમાવીને બેઠા હતા.

પ્રાઇમ મિનિસ્ટર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યાં ડાયાબિટીઝ અને કૅન્સરની દવાઓ ભારતમાં કેવી રીતે વેચી શકાય એની વાટાઘાટો કરી આવ્યા બાદ ઇન્ડિયામાં આઠ હજારમાં મળતી હતી એ દવા આજે એક લાખ રૂપિયામાં મળતી થઈ છે.

BJP વિશે

તેઓ ભારતને કૉન્ગ્રેસમુક્ત કરવાની વાતો કરે છે, પરંતુ તેમને ખબર નથી કે કૉન્ગ્રેસ, ઇન્ડિયા અને મહારાષ્ટ્રની વિચારધારા એક જ છે તેથી તેમનું આ સપનું પૂરું થવાનું નથી. આ પાર્ટી ધારે છે કે માત્ર એક માણસ (નરેન્દ્ર મોદી) ભારતને આગળ લઈ જશે. તેઓ કોઈ આઇડિયોલૉજીની વાત નથી કરતા. હા, BJPનું માર્કેટિંગ સારું છે, પરંતુ એ માત્ર ચૂંટણી પૂરતું.

કૉન્ગ્રેસ

રાજ્યના વેગીલા વિકાસ માટે અમારી પાર્ટીને વોટ આપજો. પૃથ્વીરાજ ચવાણ સ્વચ્છ પ્રતિભાવાળા નેતા છે અને મહારાષ્ટ્ર તેમની લીડરશિપમાં પ્રગતિ કરશે.