કંગનાને ટાર્ગેટ કરનાર બીએમસીને એક જ સવાલ

10 September, 2020 04:20 PM IST  |  Mumbai | Preeti Khuman Thakur

કંગનાને ટાર્ગેટ કરનાર બીએમસીને એક જ સવાલ

BMCની ઑફિસ (ફાઇલ ફોટો)

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કંગના રનોટને તેની ઑફિસના ગેરકાયદે બાંધકામ વિશે નોટિસ ફટકારીને ૨૪ કલાકની અંદર કાર્યવાહી કરવા પોલીસ બંધોબસ્ત સાથે મહાનગરપાલિકા તત્પર દેખાઈ હતી. જોકે આવી ફાસ્ટેસ્ટ કાર્યવાહી મુંબઈનાં અન્ય ગેરકાયદે બાંધકામ પર કેમ કરવામાં આવતી નથી એવો ગંભીર પ્રશ્ન લોકો દ્વારા ઊભો કરવામાં આવી રહ્યો છે. કંગના રનોટના ગેરકાયદે બાંધકામ પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ તો વચ્ચે તેના જ એચ/વેસ્ટ વૉર્ડમાં ૩૮૯૬ ગેરકાયદે બાંધકામની ફરિયાદ સામે ફક્ત ૪૮૦ પર જ કેમ કાર્યવાહી કરવામાં આવી એટલું જ નહીં, મહાનગરપાલિકા દ્વારા એક માહિતી અધિકાર હેઠળ મળેલી માહિતી અનુસાર ૨૦૧૬ની એક માર્ચથી લઈને ૨૦૧૯ની આઠ જુલાઈ સુધી ૯૪,૮૫૧ ફરિયાદો સામે ફક્ત ૫૪૬૧ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની આઘાતજન્ય બાબત જાણવા મળી છે.
આરટીઆઇ કાર્યકર્તા શકીલ અહમદ શેખે આ વિશે ‘મિડ-ડે’ને માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘વર્ષ ૨૦૧૬ની એક માર્ચથી ૨૦૧૯ની આઠ જુલાઈ સુધી ઑનલાઇન વેબસાઇટના માધ્યમથી કુલ ૯૪,૮૫૧ ફરિયાદો નોંધાઈ હતી, જેમાં એલ ડિવિઝનમાં સૌથી વધુ ૯૧૯૨ ફરિયાદો નોંધાઈ હતી અને એલ ડિવિઝનમાં ફક્ત ૩૨૩ ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરાઈ હતી. કંગના પર મહાનગરપાલિકાએ શિવસેનાની બદલાની ભાવનાથી કાર્યવાહી કરી છે, પરંતુ મુંબઈમાં લાખો ગેરકાયદે બાંધકામ સામે ક્યારે કાર્યવાહી થશે? એટલું જ નહીં, મહાનગરપાલિકા દર વર્ષે પોલીસ બંદોબસ્ત અને અન્ય સાધનો માટે અંદાજે ૨૦ કરોડ રૂપિયા ખર્ચે છે. તેમ જ મહાનગરપાલિકા ગેરકાયદે નિર્માણો પર દર વર્ષે ૧૫ હજારથી વધુ નોટિસ પણ ફટકારે છે પરંતુ ફક્ત ૧૦થી ૨૦ ટકા પર જ કાર્યવાહી થતી હોય છે. અમુક નિર્માણો પર બોગસ કાર્યવાહી સુધ્ધાં કરાય છે.’

mumbai brihanmumbai municipal corporation mumbai news kangana ranaut