આઇ-કાર્ડ જોઈને જ રેલવે સ્ટેશનમાં એન્ટ્રી અપાતી હતી

23 March, 2020 08:14 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

આઇ-કાર્ડ જોઈને જ રેલવે સ્ટેશનમાં એન્ટ્રી અપાતી હતી

મીરારોડ રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવા આવેલા લોકોની નોંધણી કરતા કર્મચારીઓ અને લૉક કરી દેવાયેલા તમામ ઍન્ટ્રી પૉઈન્ટ.

મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) જનતા કરફ્યુ દરમ્યાન લોકોને આખો દિવસ ઘરમાં રહેવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચના આપી હોવા છતાં અનેક લોકો એને અવગણીને રેલવે સ્ટેશને ટ્રેન પકડવા પહોંચ્યા હોવાની માહિતી મળ્યા બાદ રેલવેએ મુંબઈ અને આસપાસના દરેક સ્ટેશનોએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અત્યંત જરૂરી કામ અથવા તો વિવિધ પ્રશાસન, સરકારી એજન્સીઓમાં કામ કરતા લોકોને જ એમના આઈડેન્ટી કાર્ડ ચકાસીને જવા દેવાતા હતા. તમામ રેલવે સ્ટેશનોની ઍન્ટ્રી બંધ કરી દેવાઈ હતી.
મીરા રોડ રેલવે સ્ટેશનો પર સવારથી મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનો સ્ટાફ, રેલવે પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવેના કર્મચારીઓ-અધિકારીઓ ઈમર્જન્સી સિવાયના લોકો ટ્રેનમાં ન ચડે એ માટે તહેનાત કરી દેવાયા હતા. જનતા કરફ્યુ હોવા છતાં કેટલાંક લોકો ઘરની બહાર નીકળીને રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. તેમની પૂછપરછ કરીને તેઓ જો અગત્યના કામથી બહાર નીકળ્યા હોય તો તેમના નામ, એડ્રેસ અને મોબાઈલ નંબરની નોંધણી કરીને જવા દેવાતા હતા.
મીરા રોડ રેલવે સ્ટેશન પર ફરજ બજાવી રહેલા રેલવે પ્રોટેક્શન ફોર્સના અધિકારી સદાનંદ શુક્લાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેલવે દ્વારા જનતા કરફ્યુના દિવસથી અગત્યના કામ સિવાયના લોકોને ટ્રેનમાં મુસાફરી ન કરવા દેવાની જાહેરાત કર્યાં બાદથી અમે લોકોને અહીં રોકીને પૂછપરછ કરીને જ જવા દઈએ છીએ. પ્લૅટફૉર્મ સુધી પહોંચવાના તમામ રસ્તા અમે બંધ કરી દીધા છે. પ્રશાસન અને સરકારી વિભાગના કર્મચારીઓ તથા બહારગામથી આવેલા સંબંધીને લેવા માટે સ્ટેશને આવેલા લોકોના આઈડેન્ટી કાર્ડ ચકાસીને તેમની નોંધણી કરીને જ મુસાફરી કરવા દેવાય છે.’

mumbai indian railways mumbai railways mumbai news coronavirus covid19 janta curfew