મૃતપ્રાય થઈ ગયેલો સ્ટેશનરીનો બિઝનેસ સ્કૂલ, કૉલેજ શરૂ થતાં ૨૦ ટકાએ પહોંચ્યો

19 October, 2021 11:26 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

છ મહિનામાં સ્કૂલો, કૉલેજો, ઑફિસો બધું શરૂ નહીં થાય અને વેપાર આવો જ રહેશે તો મુંબઈની ૫૦૦થી વધુ દુકાનો બંધ થવાની નજીક

તસવીર : સમીર સય્યદ આબેદી

સ્કૂલો, કૉલેજો શરૂ થતાં છેલ્લાં બે વર્ષથી ઠપ પડી ગયેલો સ્ટેશનરીનો બિઝનેસ ૧૦થી ૨૦ ટકા સુધી વધ્યો છે, પરંતુ આવનારા છ મહિનામાં પહેલાંની જેમ બધું રાબેતા મુજબ શરૂ ન થયું તો મુંબઈની ૫૦૦થી વધુ દુકાનો બંધ થવાના આરે છે. ઉલ્લેખનીય છે કે લૉકડાઉનનો માર ન વેઠી શકનારી ૫૦૦ જેટલી સ્ટેશનરીની દુકાનો તો બંધ પણ થઈ ગઈ છે.

સ્ટેશનરીના વેપારને પુશ-અપની ખૂબ જરૂર છે એમ કહેતાં ફેડરેશન ઑફ સ્ટેશનરી મૅન્યુફૅક્ચરર્સ ઍન્ડ ટ્રેડર્સ અસોસિએશનના સેક્રેટરી કિશોર કેનિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘છેલ્લાં બે વર્ષથી તો સ્ટેશનરીનો વેપાર પડી ભાંગીને શૂન્ય સ્તરે પહોંચી ગયો હતો. હાલમાં સ્કૂલો, કૉલેજો શરૂ થતાં ૧૦થી ૨૦ ટકા જેટલો વેપાર શરૂ થયો છે. શૂન્ય સ્તરથી હાલમાં વેપાર થોડો થઈ રહ્યો છે. આવા જ સંજોગો હશે તો દિવાળી બાદ છ મહિનામાં આશરે ૪૦ ટકા જેટલો વેપાર થશે એવી શક્યતા દેખાઈ રહી છે, પરંતુ વેપારની આવી પરિસ્થિતિ રહી તો આવનારા છ મહિનામાં ૫૦૦થી વધુ દુકાનો બંધ થવાની શક્યતા છે અને એમાં ખાસ કરીને ભાડાં પરની દુકાનો પહેલાં બંધ થશે. લૉકડાઉનમાં ૫૦૦ જેટલી દુકાનો તો બંધ પણ થઈ ગઈ છે. પેન પરનો જીએસટી ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કરવામાં આવતાં પેનની કિંમતમાં એક રૂપિયાનો વધારો થયો છે જે ઘણો વધારે કહેવાય. જૂનો દર પાછો લાગુ કરવા માટે અમે કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારો સમક્ષ રજૂઆત કરી છે, પણ કંઈ પરિણામ નથી મળ્યું.’

કિશોર કેનિયા, પ્રદીપ શાહ, શાંતિલાલ ખંડોલ

નોટબુક ઍન્ડ સ્ટેશનરી અસોસિએશન, મજિસ્દ બંદરના પ્રમુખ અને છેલ્લાં ૪૦ વર્ષથી મજિસ્દ બંદરમાં હોલસેલ-રીટેલની દુકાન ધરાવતા પ્રદીપ શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સ્કૂલો-કૉલેજો શરૂ તો થઈ, પરંતુ વિદ્યાર્થીઓની હાજરી ઓછી છે અને ઑફિસો પણ બધી ચાલુ થઈ ન હોવાથી વેપાર બરોબર નથી. એમાં જીએસટીમાં વધારો થવાને કારણે બધી જ વસ્તુઓના ભાવ વધી ગયા છે અને ડિમાન્ડ પણ ઓછી થઈ ગઈ છે. વેપારીઓની એ લડતમાં જીએસટીએ આગમાં ઘી ઉમેર્યું છે. મારી જ આસપાસની ૧૦થી ૧૨ દુકાનો જે ૩૦-૪૦ વર્ષ જૂની હતી એ બંધ કરી દેવાઈ છે. એમાંથી અનેક લોકો તો મુંબઈની બહાર જઈને બીજો વેપાર કરવા લાગ્યા છે.’

મુલુંડથી લઈને દાદર સેન્ટ્રલના વેપારીઓના સેન્ટ્રલ સબર્બન સ્ટેશનરી વેપારી અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ શાંતિલાલ ખંડોલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સ્કૂલની વસ્તુઓ લક્ઝરી આઇટમ નથી, એ જરૂરિયાતની વસ્તુઓ છે એ કેમ ભૂલી જવામાં આવ્યું છે? જ્યાં પહેલાં ૧૨ જેટલી બુક્સ વપરાતી હતી ત્યાં ઑનલાઇન ક્લાસમાં બે-ત્રણ સબ્જેક્ટ માટે એક જ બુકનો ઉપયોગ થઈ રહ્યો છે. ઉપરાંત સ્કૂલો આવા સમયે પણ બુક્સો ફરજિયાત સ્કૂલમાંથી અથવા નક્કી કરેલી સ્ટેશનરીની દુકાનથી જ લેવાનું કહે છે. એના કારણે રીટેલ સ્ટેશનરીના વેપાર પર અસર થાય છે. એ સ્કૂલોએ આવી મહામારીમાં તો સમજવાની જરૂર છે.’

mumbai mumbai news preeti khuman-thakur