છેલ્લાં છ વર્ષમાં સુધરાઈની માત્ર ૨૦ ટકા પાઇપલાઇનોનું રિપેરિંગ

30 December, 2011 05:06 AM IST  | 

છેલ્લાં છ વર્ષમાં સુધરાઈની માત્ર ૨૦ ટકા પાઇપલાઇનોનું રિપેરિંગ

 

છેલ્લાં છ વર્ષમાં માત્ર ૨૦ ટકા પાઇપલાઇનો જ રિપેર કરવામાં આવી છે. ૫૦૬.૯૧ કિલોમીટરની પાઇપલાઇનો બદલવામાં આવી છે અને ૩૩૧.૩ કિલોમીટરની પાઇપલાઇનો સમી કરવામાં આવી છે. સુધરાઈના હાઇડ્રોલિક એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ આ માટેનું કારણ આપતાં કહ્યું હતું કે ‘ટ્રાફિક-પોલીસ ડિપાર્ટમેન્ટ પાસેથી એનઓસી (નો ઑબ્જેકશન સર્ટિફિકેટ) ન મળતું હોવાથી આ કામમાં મોડું થઈ રહ્યું છે. જૂની અને તૂટેલી પાઇપલાઇનો રસ્તાઓની નીચે આવેલી છે અને એમાંથી કેટલાક માર્ગો પર ભયંકર ટ્રાફિક રહે છે એટલે ટ્રાફિક-પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી યસનું સિગ્નલ મળતું નથી. આ જ કારણોસર ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન માત્ર ૯૦ કિલોમીટરની પાઇપલાઇનોનું રિપેરિંગ થયું છે.’

બે વર્ષમાં ૭૮ વખત પાઇપલાઇન ફાટી

બુધવારે દાદરમાં ડૉ. બી. આર. આંબેડકર રોડ પર પાઇપલાઇન ફાટી હતી. છેલ્લાં બે વર્ષમાં મુંબઈમાં પાઇપલાઇન ફાટવાનો આ ૭૮મો બનાવ હતો. આ પાઇપલાઇન ફાટવાને કારણે ફક્ત થોડી જ વારમાં ૬૦ લાખ લિટર એટલે કે ઑલિમ્પિક સાઇઝના ૨૦૦૦ સ્વિમિંગ-પૂલ ભરાઈ જાય એટલું પાણી ઢોળાઈ ગયું હતું.

હાઇડ્રોલિક એન્જિનિયર રમેશ બાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાંજે ચાર વાગ્યા સુધીમાં પાઇપલાઇનનું સમારકામ થઈ ગયું હતું અને પાંચ વાગ્યાથી એફ-સાઉથ અને એફ-નૉર્થનો પાણીપુરવઠો પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.’