એનસીપીના પ્રમુખ સામે વિવાદાસ્પદ ઑનલાઇન પોસ્ટ

16 May, 2022 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભ્રષ્ટ માનસિકતા સમાજ માટે યોગ્ય નથી : સુપ્રિયા સુળે

સંસદસભ્ય સુપ્રિયા સુળે

મરાઠી અભિનેત્રી કેતકી ચિતળેએ એનસીપીના પ્રમુખ શરદ પવાર સામે વાંધાજનક પોસ્ટ શૅર કરી એને અનુલક્ષીને તેમનાં પુત્રી અને એનસીપીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ રવિવારે જણાવ્યું હતું કે ભ્રષ્ટ માનસિકતા સમાજ માટે યોગ્ય નથી.

કેતકીએ તેના ફેસબુક-પેજ પર કરેલી અપમાનજનક ટિપ્પણી બદલ શનિવારે નવી મુંબઈથી તેની ધરપકડ કરાઈ હતી. તેણે અન્ય કોઈએ લખેલી પોસ્ટ મૂકી હતી, જેમાં એનસીપીના પ્રમુખને ઉદ્દેશીને ‘નર્ક રાહ જોઈ રહ્યું છે’ અને ‘તમે બ્રાહ્મણોને નફરત કરો છો’ જેવા શબ્દપ્રયોગો હતા.

સુપ્રિયા સુળેએ નાશિકમાં પત્રકારોને જણાવ્યું હતું કે ‘હું તેને જાણતી નથી. આ સંસ્કૃતિની સમસ્યા છે. આવી પોસ્ટ સામે અવાજ ઉઠાવવા બદલ હું મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને એમએનએસના પ્રમુખ રાજ ઠાકરેનો આભાર માનું છું.’

શનિવારે એનસીપીની મહિલા પાંખના કાર્યકરોએ નવી મુંબઈમાં કલંબોલી પોલીસ સ્ટેશનની બહાર કેતકી પર કાળી શાહી અને ઈંડાં ફેંક્યાં હતાં.

બીજી તરફ શિવસેનાનાં નેતા અને મુંબઈનાં ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું હતું કે જાહેર જીવનમાં વય અને વરિષ્ઠપણાનો આદર કરવો જોઈએ.

mumbai mumbai news nationalist congress party supriya sule